IITGNમાં ‘ભારતીય સેના અને તેમની વિધવાઓને નમન’ પર વાર્તાલાપ

ગાંધીનગરઃ IIT ગાંધીનગરમાં માનવતા અને સામાજિક વિજ્ઞાનના ઉપક્રમે 11 જુલાઈએ ‘ભારતીય સેના અને તેમની વિધવાઓને નમન’ શીર્ષક હેઠળ અંબિકા ક્રિષ્ણા દ્વારા વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિષ્ણા અને ઓલ ઇન્ડિયા રેડિયો (AIR)-કોચીના RJએ સોલો બાઇક ઝુંબેશના ભાગરૂપે દેશભરમાં યાત્રા કરી હતી. તેમણે આ પ્રવાસમાં દેશનાં મુખ્ય રેડિયો સ્ટેશનનોની મુલાકાત લઈને સૈનિકોની વિધવાઓને હિંમત અને આશાનો સંદેશ આપ્યો હતો. કૃષ્ણાએ આ યાત્રામાં અમદાવાદના આકાશવાણી ભવનની મુલાકાત લીધી હતી અને તેમણે મહિલાઓને સશક્ત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આ યાત્રાના અનુભવો અને વિઝનને પણ IIT ગાંધીનગરની મુલાકાતમાં વહેંચ્યા હતા.   

કૃષ્ણાએ આ વાર્તાલાપના તેમના વ્યક્તિગત સંઘર્ષો અને દેશના વિવિધ જગ્યાઓ કે જ્યાં તેઓ ગયા હતા- એ સ્થળોની મુલાકાત વિશે વાત કરી હતી. તેમણે જે રૂટ શોધી કાઢ્યા હતા અને માર્ગમાં જે-જે લોકોની મુલાકાત દરમ્યાન પડેલી મુશ્કેલીઓને વાગોળી હતી. આ વાર્તાલાપમાં યાત્રાના પડકારો અને સાહસોનું વર્ણન કર્યું હતું. તેમણે શિલોંગના દુર્ગમ વિસ્તારોની વાત કરી હતી. તેમણે બિહારમાં રસ્તાઓ પરની જામેલી હકડેઠઠ જનમેદનીની વાત કરી હતી. તેમણે પંજાબના પ્રવાસનાં સંસ્મરણો યાદ કરતાં થયેલા અનુભવની અને ત્યાંના લોકોના પંજાબી જુસ્સાની વાત કરી હતી.

તેમણે આ વાર્તાલાપમાં તેમની નાદુરસ્ત તબિયત અને ખરાબ હવામાનમાં પણ તેમણે આ યાત્રાનો પ્રવાસ કેવી રીતે આગળ વધાર્યો એની વાત કરી હતી. તેમણે તેમના 200 કિલોના વેહિકલને કેવી રીતે ચલાવ્યું એની રજૂઆત કરી હતી. યાત્રાના પ્રારંભે ચેન્નઈમાં પગમાં થયેલી ઇજા થઈ હતી, ત્યારે તેમણે ત્રણ સપ્તાહ સુધી ચેન્નઈમાં મેડિકલ સુપરવિઝનમાં રહેવું પડ્યું હતું અને તેમના ડોક્ટરો અને સગાંવહાંલાના વિરોધ છતાં યાત્રા ચાલુ રાખી એની વાત કરી હતી. આ યાત્રા દરમ્યાન બ્રેકમાં અને પેટ્રોલ પમ્પો પર સલામી આપીને તેમને લોકોએ કેવી રીતે જુસ્સો વધાર્યો, એની વાત કરી હતી.

આ વાર્તાલાપમાં કૃષ્ણાની યાત્રા અને જીવન વિશેના અનુભવો દર્શકોએ એકચિત્તે સાંભળ્યા હતા. પોતાની વાત પૂરી કરતાં પહેલાં તેમણે વ્યક્તિગત જીવન પર પ્રકાશ ફેંક્યો હતો. જ્યારથી તેમના પતિનું 1997માં નિધન થયું હતું, ત્યાર પછીનાં 25 વર્ષ કેવાં સંઘર્ષમય રહ્યાં –એની વાત કરી હતી. તેમણે મહિલાઓને ગમેએવી પરિસ્થિતિમાં પ્રોત્સાહિત રહેવાની સશક્ત રહેવાની હાકલ કરી હતી.