સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુ બન્યો શિકારી, દર્દીના મોતનો વધી રહ્યો છે આંક

રાજકોટ– ઠંડીમાં વધુ ફેલાતો સ્વાઈન ફ્લુ આ વર્ષે તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યો હોય તેમ રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો ભોગ બનનારના આંકડા વધી રહ્યાં છે. છેલ્લાં અઠવાડિયામાં ઠંડી વધતાં જાન્યુઆરીમાં  કચ્છ-સૌરાષ્ટ્રમાં મોતનો આંકડો વધી રહ્યો છે. રાજકોટમાં જાન્યુઆરીના 28 દિવસમાં 97 કેસ નોંધાયા છે અને તેમાં 15નાં મોત થઈ ચૂક્યાં છે. રાજકોટ શહેરમાં 28 કેસ પોઝિટિવ મળ્યાં અને તેમાં 3 મોત થયાં છે. આજે બપોર સુધીમાં 4 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં પણ જાન્યુઆરીમાં 110 કેસ નોંધાયા છે અને 2નાં મોત નીપજ્યાં છે.સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુની ઝડપ વધુ હોવા સાથે સમગ્ર રાજ્યમાં 25 દર્દી સ્વાઈન ફ્લુના કારણે મોતને ભેટી છે. સૌરાષ્ટ્રમાંથી સ્વાઇન ફ્લૂના દર્દીઓને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા સ્વાઇન ફ્લૂના વિશેષ વોર્ડમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યાં છે.જાન્યુઆરીમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 66 પોઝિટીવ કેસ જોવા મળ્યા છે. હાલમાં રાજકોટ સિવિલ હૉસ્પિટલ ઉપરાંત અન્ય ખાનગી દવાખાનામાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

ફાઈલ તસવીર

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં સ્વાઈન ફ્લૂની સારવાર માટે 150 બેડની સુવિધા કરવામાં આવી છે, જ્યારે આ સિઝનમાં ડિસેમ્બર સુધીમાં 46 અને જાન્યુઆરીમાં 22 એમ આ સીઝનમાં ડેથ ટોલ 68 પર પહોંચ્યો છે. આ આંકડાઓમાં તેજગતિએ વધારો થઈ રહ્યો છે.ગત વર્ષથી લઈને રાજકોટમાં સ્વાઈન ફ્લૂના અત્યાર સુધીમાં 165થી વધુ પોઝિટીવ કેસ છે, તો રાજ્યભરમાં 500 પોઝિટીવ કેસ નોંધાયા છે. ઉપરાંત કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો તે જુદું.

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુના વધુ ફેલાવાને લઇને જણાવાઈ રહ્યું છે કે આ વિસ્તારમાં ઠંડી વધવાની સાથે જ ભેજ અને ઝાકળનું પ્રમાણ વધે છે જેનાથી તાવશરદી વ્યાપકપણે જોવા મળે છે.જો યોગ્ય સારવાર ન મળે તો કેસ સ્વાઇન ફ્લૂમાં બદલાઈ જાય છે. વર્ષ 2019ની શરૂઆતમાં રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં 66 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ગયાં છે, જ્યારે વર્ષ 2018માં જાન્યુઆરીમાં એકેય પોઝિટિવ કેસ નોંધાયો નહોતો.