રાજ્યસભા ચૂંટણી વિવાદઃ સોંગદનામામાં શક્તિસિંહ પર બળવંતસિંહે કર્યાં ગંભીર આક્ષેપ

અમદાવાદ– ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અતિચર્ચાસ્પદ બની રહેલી રાજ્યસભા ચૂંટણીના વિવાદમાં કોર્ટ કાર્યવાહી આગળ વધી રહી છે. જે અંગે ગુજરાત હાઈકોર્ટમાં ભાજપના બળવંતસિંહ રાજપૂત દ્વારા સોંગદનામું રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલની જીતને પડકારતી પિટિશન થઈ હતી, જેમાં તેમણે ચૂંટણીમાં થયેલી ગેરરીતિ અને ઈલેક્શન કમિશનની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. આ મામલાની વધુ સુનાવણી શુક્રવારે થશે.બળવંતસિંહ રાજપૂતે જજ સામે રજૂ કરેલા સોંગદનામામાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસના બે ધારાસભ્યો ભોળાભાઈ ગોહિલ અને રાઘવજીભાઈ પટેલ તેમના બેલેટ પેપર શક્તિસિંહ ગોહિલને બતાવ્યાં હતાં, ત્યારે બન્ને પાસેથી બેલેટ પેપર લઈ લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમ જ કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે અને મિતેશ ગરાસિયાએ બેલેટ પેપર અન્ય લોકોને બતાવ્યાં હતાં, આ બન્ને મુદ્દે ઈલેક્શન કમિશનમાં રજૂઆત કરવામાં આવી હતી, પણ કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં, એવો આક્ષેપ બળવંતસિંહ રાજપૂતે કર્યો હતો. ઈલેક્શન કમિશને આ બન્ને મત રદ જાહેર કર્યા હતા. આ મામલે અહેમદ પટેલની જીતને પડકારતી પિટિશન દાખલ કરવી પડી હતી, તેવી સ્પષ્ટતા કરી હતી. અહેમદ પટેલે ધારાસભ્યોને રુપિયા આપી ખરીદી લીધાં હોવાનો આક્ષેપ પણ રાજપૂતે કર્યો હતો.

આ અગાઉ અહેમદ પટેલ તરફથી આ બાબતે જુબાની માટે 42 લોકોની યાદી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ કોર્ટે બળવંતસિંહને પોતાનો પક્ષ રજૂ કરવા હૂકમ કર્યો હતો. હવે આગામી શુક્રવારે અહેમદ પટેલ પોતાનો જવાબ રજૂ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]