બનાસકાંઠા જિલ્લાની ખુબ ચર્ચીત વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને જનતાએ વાવ વિધાનસભા માટે ભાજપ પર ભરોસો મુક્યો છે. ત્યારે જીત મેળવનાર BJPના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર આજે ધારાસભ્ય તરીકેના શપથ લેશે. આજે બપોરે 3.30 કલાકે સ્વરૂપજી ઠાકોર વિધિવત રીતે ધારાસભ્ય પદના શપથ લેશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સ્વરૂપજી ઠાકોર પાસે શપથ લેવડાવશે.
બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે છેલ્લી ઘડીની બાજી મારીને ભવ્ય જીત મેળવી હતી. આજે સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય તરીકેના શપથ લેશે. ગાંધીનગરમાં આજે બપોરે 3.30 કલાકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સ્વરૂપજી ઠાકોરને શપથ લેવડાવશે. આ પ્રસંગે ભાજપનાં ધારાસભ્યો, નેતાઓ હાજર રહેશે. જણાવી દઈએ કે, વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે જબરદસ્ત ત્રિપાંખ્યો જંગ જોવા મળ્યો હતો.
આપને જણાવી દઈએ કે ભાજપનાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 2367 મતથી જીત્યા હતા. બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કેન્દ્ર સુધી ચર્ચાનો વિષય બની હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપના સ્વરૂપજીની બહુમત સાથે વિજય થતાં પાર્ટીમાં ખુશીની લહેર પ્રસરી હતી. કોંગ્રેસનાં ગુલાબસિહ રાજપૂતને 23 રાઉન્ડની મતગણતરીમાં કુલ 89,402 જ્યારે અપક્ષનાં માવજી પટેલને 27,173 અને ભાજપનાં સ્વરૂપજી ઠાકોરને 91,755 મત મળ્યા હતા.