નવા વર્ષની ઉજવણી માટે સુરત પોલીસ એલર્ટ, ડ્રગ્સ ડિટેક્શન મશીન સાથે ચેકિંગ શરૂ

સુરત: 2024 પૂર્ણ થવાને ગણતરીના દિવસો જ બાકી છે. અને 2025ના આગમનને લઈ લોકોમાં ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને SOG પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસઓજીએ ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીન સાથે રોડ પર ઊતરી ચેકિંગ શરૂ કરી દીધું છે. આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં, તે જણાવી શકે છે. આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે.

વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે. જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી છે. અગાઉ લોહીનાં સેમ્પલની તપાસ માટે 7 દિવસનો સમય લાગતો હતો, પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂપ થશે. ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ, ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. આવી ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવશે. NDPS (નાર્કોટિક ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટાન્સ)ના કેસો માટે એન્ટિ નાર્કોટિક્સ યુનિટ કાર્યરત રહેશે. NGO અને વિવિધ સંસ્થાઓ સાથે મળી, ડ્રગ્સના બંધાણી રહેલા લોકોના પુનર્વસન માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by SuratCityPolice (@suratcitypolice)