સૂરતઃ દૂધને શરીર માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. પરંતુ શરીર માટે એક પૂર્ણ આહાર ગણાતા દૂધમાં જ્યારે મિલાવટ થાય ત્યારે તે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક બને છે. સૂરતમાં મનપાના આરોગ્ય વિભાગે સૂરતની સાત ડેરી સંસ્થાઓ પર સપાટો બોલાવ્યો છે. સૂરતની ખ્યાતનામ ચોર્યાસી ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે જે ફેઈલ થયા છે.
તો આ સીવાય સુરતના 8 અન્ય એકમોના તમામ સેમ્પલ ફેઈલ થયાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ત્યારે આટલી મોટી અને સાવ ખોટી રીતે દૂધમાં ભેળસેળ થતી હોવાની વાત સામે આવતા આરોગ્ય વિભાગે ભેળસેળ કરતા એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોગ્ય વિભાગે સુરતના લિંબાયત, ઉધના, પાંડેસરા, જેવા શ્રમિક રહેણાંક વિસ્તારમાં હલકી કક્ષાનું દૂધ વેચાય રહ્યાની ફરિયાદો થઇ હતી. જેના પગલે મનપાના આરોગ્ય વિભાગે આ આ વિસ્તારમાં આવેલી 7 સંસ્થાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના ટેસ્ટિંગ કરાતા સેમ્પલ ફેલ થયા હતા. સુરતની જૂની ચોર્યાસી ડેરીના સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હતા. આ દૂધવાળા સેમ્પલમાં ફેટનું પ્રમાણ ઓછું અને પાણીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જે સંસ્થાઓના સેમ્પલ ફેલ આવ્યા છે તેમની સામે કોર્ટ કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી રહી છે. જો કોર્ટ કાર્યવાહી થાય તો ડેરી સંચાલકોને ત્રણથી પાંચ વર્ષ સુધી જેલ થવાની શક્યતાઓ છે.