પરશુરામ જયંતીની બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય ઉજવણી સાથે અનેક કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ વૈશાખ સુદ બીજ એટલે અખાત્રીજ, અક્ષય તૃતીયા નો દિવસ. હિંદુ સંસ્કૃતિમાં શુભ ગણાતા આ દિવસે લગ્ન, જનોઇ, વાસ્તુ, નામકરણ જેવા અનેક કાર્યો કરવામાં આવે છે. અખાત્રીજના આ દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિ પણ મનાવવામાં આવે છે. સમગ્ર માનવજાત માટે સતત વિચારનાર અને આપખુદશાહીનો અંત લાવનાર તેમજ શાસ્ત્રની સાથે શસ્ત્રનો પણ ઉપયોગ કરનાર પરશુરામની જયંતિ આજના દિવસે ઉજવવામાં આવે છે.

પરશુરામ જયંતિ નિમિત્તે સમગ્ર દેશ-રાજ્ય અને અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શહેરના બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલા નંદેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારે આરતી બાદ પરશુરામ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવી હતી. બોપલથી નિકળેલ આ યાત્રામાં પશ્ચિમ અને પૂર્વ અમદાવાદમાં વસતા અનેક શ્રધ્ધાળુઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઠંડા પાણી, છાશનું વિતરણ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના નવાવાડજ વિસ્તારમાં આવેલ વ્યાસવાડી નજીક આવેલા પરશુરામ સર્કલને ફૂલ-હાર થી શણગારમાં આવ્યુ હતુ. આ સાથે કેટલાક વિસ્તારમાં ડાયરા-ગીત-સંગીત-ભજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભગવાન પરશુરામ ભાર્ગવ વંશમાં જન્મેલ વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા. તેમનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો. પૌરાણિક વૃત્તાંતો અનુસાર તેમનો જન્મ ભૃગુશ્રેષ્ઠ મહર્ષિ જમદગ્નિ દ્વારા સંપન્ના પુતેષ્ટિ યજ્ઞથી પ્રસન્ન થઈ દેવરાજ ઇન્દ્રના વરદાન સ્વરૂપે પત્ની રેણુકાના ગર્ભથી વૈશાખ સુદ ત્રીજના દિવસે થયો હતો.

તેમને વિષ્ણુના આવેશાવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણકે ભારતીય પૌરાણિકતામાં પરશુરામ ક્રોધના પર્યાય રહ્યા છે. પોતાના પિતાની હત્યાના પ્રતિશોધમાં ક્ષત્રિયો સાથે 21 વાર યુદ્ધ કર્યું અને આખા કુળનો નાશ કર્યો.  પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા તેમણે માતા સહિત બધાજ ભાઇઓનાં માથાં કાપી નાખ્યાં હતાં જોકે તેમને પુનર્જીવિત કરવાનું વરદાન પણ તેમણે જ પિતા જમદગ્નિ પાસે માંગ્યુ હતું. પરશુરામને ભગવાન વિષ્ણુના દસમા અવતાર માનવામાં આવે છે. પરશુરામનો ઉલ્લેખ રામાયણથી લઈને મહાભારત સુધી બધે જ મળે છે.

આમ તો ભગવાન વિષ્ણુએ જ્યારે પણ અવતાર લીધો ત્યારે ધર્મની સ્થાપના અને અધર્મના નાશ માટે જ લીધો છે, પરંતુ પરશુરામ, જે વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે તે સ્વભાવથી આવેશાવતાર ગણાય છે. ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામ અને આઠમા અવતાર શ્રીકૃષ્ણના સમય સુધી તેઓ ઉપસ્થિત હતા. તેમની ગણતરી મહર્ષિ વેદવ્યાસ, અશ્વત્થામા, રાજા બલિ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય  સહિતના મહાન અને અમર  અવતારોમાં થાય છે.

પરશુરામ ચિંરજીવી માનવામાં આવે છે એટલે તેમનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ જોવા મળે છે. ભગવાન વિષ્ણુનો આ એવો એકમાત્ર અવતાર છે,જે પોતાના પછીના બે વિષ્ણુ અવતારને સદેહે મળ્યાં છે. રામસીતાના સ્વયંવર દરમિયાન શિવધનુષ્ય  તૂટવાનો અવાજ સાંભળી પોતાના આરાધ્યનું ધનુષ્ય કોણે તોડ્યું, તેના ક્રોધથી ધમધમતાં આવી ચડેલાં પરશુરામની કથા આપણે જાણીએ જ છીએ.

ભારતીય પૌરાણિક પાત્રોમાં જેટલાં પણ મહામાનવરુપી પાત્રો શાસ્ત્રોમાંથી આપણને જાણવા મળે છે તેમાં કદાચ સૌથી  ઓછાં સમજાયેલ ભગવાન પરશુરામનું પાત્ર હોઈ શકે છે. એમણે કારણો સાથે 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી તે જ વધુ ચર્ચાયું પરંતુ તેની પાછળ તેમના પરમ શાંત, પ્રભાવી, ઉપાસક, સત્યની સત્તા ચલાવનાર, પરમ નૈતિક, ન્યાયી, પરમ શાસ્ત્રી અને શસ્ત્રી, અણખૂટ શકિતના સ્વામી એવા અનેક ગુણો પશ્ચાદભૂમાં ધકેલાઈ ગયાં છે. ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પરશુરામનું એ જીવનકાર્ય હતું,  કે પૃથ્વી પરના સત્તાના મદમાં છકેલાં રાજાઓને સમાપ્ત કરી અરાજકતા દૂર કરી ન્યાયનો ધ્વજ ફરકાવવો. એમ ગણતાં પરશુરામનો મહાક્રોધ જનસામાન્યના શુભ માટે વ્યક્ત થયેલો રચનાત્મક ક્રોધ હતો.

ભગવાન પરશુરામના જીવનકવનમાં એકપણ એવો પ્રસંગ મળતો નથી જેમાં તેમણે કોઈ સામાન્યજનને પીડા પહોંચાડી હોય.પોતાનું કાર્ય પૂર્ણ થતાં જ ભગવાન પરશુરામ સ્વેચ્છાએ અલિપ્ત થઈ માનવસમાજથી દૂર તપસ્યા માટે ચાલી નીકળ્યાં હતાં. આજેપણ માનવામાં આવે છે કે ભગવાન પરશુરામ ભારતભૂમિ પર વિચરણ કરતાં સત્ય અને ન્યાય માટે કોઈને કોઈ કાર્ય કરતાં રહે છે. 

(અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]