સૂરત: હાલમાં મેડીકલ સાયન્સ એટલું આગળ વધી રહ્યું છે કે, ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાન થકી અન્ય વ્યક્તિને નવું જીવન આપી શકાય છે. સુરત હવે ગુજરાતનું ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે ઉભરી રહ્યું છે.
ધોરણ ૧૦ની પરીક્ષાની તૈયારી કરી રહેલો મીત ૨૬ ફેબ્રુઆરીના રોજ તેના પિતા ભરતભાઈ સાથે ઝેરોક્ષ કરાવવા બાઈક ઉપર જઈ રહ્યો હતો ત્યારે ભીલાડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા મીત બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો. તેને માથામાં તેમજ કમર અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. તેથી તેને તાત્કાલિક વાપીમાં આવેલ રેઈનબો હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની મહાવીર ટ્રોમા હોસ્પીટલમાં રાત્રે ૧૧:30 કલાકે ડૉ. કરસન નંદાનીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા નાના મગજમાં લોહીનું પરિભ્રમણ બંધ થઇ થઇ ગયું હતું. તેમજ મગજ ઉપર સોજો હોવાનું નિદાન થયું હતું.
૨૮ ફેબ્રુઆરીના રોજ ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. કરસન નંદાનીયા, ન્યુરોસર્જન ડૉ. હસમુખ સોજીત્રા અને ન્યુરોફીજીશ્યન ડૉ. અંકિત દવેએ મીતને બ્રેઈનડેડ જાહેર કર્યો. મહાવીર ટ્રોમા હોસ્પીટલથી ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી મીત ના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પીટલ પહોંચી મીતના પિતાશ્રી ભરતભાઈ, મામા યોગેશભાઈ, દામુભાઈ, માસી ડૉ. તૃષાનીને ઓર્ગન ડોનેશન અંગેની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું.
મીતના પિતા ભરતભાઈએ જણાવ્યું કે મારો દીકરો બ્રેનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્વિત છે ત્યારે તેના અંગોના દાન થકી કોઈના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
પરિવારજનો તરફથી અંગદાનની મંજૂરી મળતા નીલેશ માંડલેવાલાએ Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની, લિવર અને સ્વાદુપિંડનું દાન લેવા આવવા માટે જણાવ્યું. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. જમાલ રીઝવી અને તેમની ટીમે આવી કિડની, લિવર અને સ્વાદુપિંડનું દાન સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલ કિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી રતનબેન સંદીપ વાઘેલા ઉ.વ. ૩૬, બીજી કિડની ભરૂચના રહેવાસી રાજેન્દ્રસિંહ મુળજીભાઈ સયાનીયા ઉ.વ.૬૬, લિવર અમદાવાદના રહેવાસી અલ્પેશ દિનેશચંદ્ર ભલાણી ઉ.વ. ૪૫, જયારે સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ માંગરોળના રહેવાસી પોપટભાઈ મેરૂભાઈ ઓડેદરા ઉ.વ. ૩૯માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ખાતે ડો. પ્રાંજલ મોદી, ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
સૂરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૨૮૫ કિડની, ૧૧૮ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૧ હ્રદય અને ૨૩૪ ચક્ષુઓનો દાન મેળવીને ૬૬૨ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.