નવી દિલ્હી : પૂર્વ સાંસદ અને બાહુબલી કહેવાતા અતીક અહમદ સામે કડક કાર્યવાહી કરતાં સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે. સાથે ઉત્તરપ્રદેશની નેની જેલમાં બંધ અતીકને ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, રીયલ એસ્ટેટ ડીલર મોહિત જયસ્વાલનાં કથિત અપહરણ અને અત્યાચાર મામલે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. થોડા દિવસો અગાઉ જ અતીક અહમદને યુપીની નેની જેલમાં મોકલવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે સીબીઆઈને અતીક અહમદ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે અતીક અહમદ સામે લાંબા સમયથી ચાલી રહેલા અન્ય કેસોનો પણ જલદી નિકાલ કરવા કહ્યું છે. સુપ્રીમે આ મામલા સંબંધિત સાક્ષીઓને પ્રોટેક્શન આપવા પણ કહ્યું છે. આ પહેલા યુપી સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, આ મામલે ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી કરવામાં આવી, જેમાં જેલ સુપરિટેન્ડેન્ટ સહિત 4 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. આ ઘટના બાદ અતીકને ડિસ્ટ્રીક્ટ જેલ દેવરિયાથી બેરલી જેલ મોકલી દેવામાં આવ્યો હતો.
યુપી સરકારે કહ્યું હતું કે, અતીક અહમદ વિરુદ્ધ 1979થી 2019 સુધીમાં કુલ 109 કેસો ચાલી રહ્યાં છે. જેમાંથી 17 કેસ કલમ 302, 12 કેસ ગેંગસ્ટર એક્ટ, 8 કેસ આર્મ્સ એક્ટ અને 4 કેસ ગુંડા એક્ટના મામલાઓ દાખલ છે. અતીક અહમદ વિરુદ્ધ 8 કેસ 2015થી 2019માં દાખલ કરવામાં આવ્યા, જેના પર હજુ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અતીક અહમદ મૂળ ઉત્તર પ્રદેશનાં શ્રાવસ્તી જનપદનો રહેવાસી છે. અતીક અહમદ વિરુદ્ધ અત્યાર સુધીમાં અપહરણ, જબરદસ્તી વસૂલી, હત્યા જેવા કેસો દાખલ છે. અતીક અહમદ વિરુદ્ધ ઉત્તર પ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલ્લાહાબાદ ઉપરાંત બિહાર રાજ્યમાં પણ હત્યા, અપહરણ વગેરે જેવા કેસો ચાલી રહ્યાં છે. અતીક વિરુદ્ધ સૌથી વધુ કેસ અલ્લાહાબાદમાં દાખલ થયાં છે.
વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અતીક અહમદને ફુલપુર સંસદીય ક્ષેત્રમાંથી ટીકીટ આપી હતી, અહીંથી તે જીત મેળવી સાંસદ બન્યો હતો. 2014માં અતીકે સપાની ટીકિટ પરથી શ્રાવસ્તીથી ચૂંટણી લડી અને હારી ગયો હતો.