ગાંધીનગર- રાજ્યમાં કુદરતી પાણીના સ્ત્રોત ઊંચા આવે તેમ જ પાણીનો જળસંચય વધુને વધુ થાય જેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને મળે તે આશયથી રાજ્યભરમાં આગામી ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૯થી સુજલામ-સુફલામ જળઝૂંબેશ ૨૦૧૯નું આયોજન હાથ ધરવામાં આવશે.
નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું કે જનભાગીદારી થકી ગત વર્ષે હાથ ધરાયેલ આ અભિયાનને મળેલ અપ્રતિમ પ્રતિસાદને પરિણામે ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થયાં છે તેનાથી પ્રેરાઈને આ વર્ષે પણ રાજ્ય સરકારે આ ઝૂંબેશ હાથ ધરવાનું આયોજન કર્યું છે. આ ઝૂંબેશમાં ગત વર્ષે ૫૦ ટકા રાજ્યસરકારનો ફાળો તથા ૫૦ ટકા લોકફાળો લેવાયો હતો. નાગરિકોની માંગણીઓને ધ્યાને લઈને રાજ્ય સરકારે ૬૦ ટકા ભંડોળ રાજ્યસરકારના ફંડમાંથી આપવાનું નક્કી કર્યું છે. અને ૪૦ ટકા ભંડોળ લોકફાળા દ્વારા એકત્રિત કરી આ કાર્ય હાથ ધરાશે.આ ઝૂંબેશમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્ય સરકારના જાહેર સાહસો, એ.પી.એમ.સી. ધાર્મિક સંસ્થાઓના સહયોગથી મનરેગા યોજના હેઠળ વિવિધ કામો હાથ ધરાશે. જેમાં હયાત તળાવો ઉંડા કરવા, હયાત ચેક ડેમોનું ડીસીલ્ટીંગ,હયાતજળાશયો, નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ, તળાવોનાવેસ્ટ વિયરના રીપેરીંગ, નદીકાંઠા પર વૃક્ષારોપણ અને નદીઓના પ્રવાહને અવરોધરૂપ ગાંડાબાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવા જેવા કામો હાથે ધરવામાં આવશે.