વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણી રાજકોટથી લડે તો નવાઈ નહીં! આ રહ્યાં કારણો

અમદાવાદ: લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરુ થવાની સાથે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વડાપ્રધાન મોદી કયા સ્થળેથી પોતાની ઉમેદવારી નોંધાવશે. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડશે ? રાજકીય વર્તુળોમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે અને આ ચર્ચા જાગે તે માટેનાં ઘણા પરિબળો રાજકોટમાં આકાર પામી રહ્યાં છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અસામાન્ય રીતે વિકાસ કાર્યોનાં કામ હાથ ધરાયાં છે. આ સિવાય, સ્થાનિક રાજકીય સમીકરણોએ પણ આ બેઠકને સલામત બેઠક બનાવી છે.

રાજકોટ લોકસભા બેઠક પરંપરાગત રીતે ભાજપની સલામત બેઠક ગણાય છે. 1989 પછી ભાજપ માત્ર એક જ વખત (2009માં) આ બેઠક હાર્યો છે અને તેના માટે ઉમેદવાર પ્રત્યે સ્થાનિક કાર્યકરોની નારાજગી જવાબદાર રહી હતી. 2014નાં ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા આ બેઠક પરથી 35.45 ટકા મતોના તફાવતથી જીત્યા હતાં. વળી, કોંગ્રેસના મજબૂત નેતા અને કોળી આગેવાન કુંવરજી બાવળીયા હવે ભાજપમાં જોડાઈ ગયાં છે અને વિજય રૂપાણી સરકારમાં કેબિનેટપ્રધાન છે. કુંવરજી બાવળીયા ભાજપમાં આવતા આ બેઠક હતી તેના કરતાંય વધારે મજબૂત બની તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે.

ભાજપ માટે આ બેઠક છે સલામત

રાજકોટ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ ગ્રામ્ય, રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ, રાજકોટ પશ્ચિમ, જસદણ, ટંકારા અને વાંકાનેર બેઠક. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ચાર બેઠકો અને કોંગ્રેસ ત્રણ બેઠકો (જસદણ, ટંકારા, વાંકાનેર) જીત્યુ હતું. જો કે, કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયાં અને પેટા ચૂંટણીમાં આ બેઠક ભાજપ જીત્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક 53755 મતની લીડથી વિધાનસભા ચૂંટણી જીત્યાં છે. શહેરી મતદાર ભાજપ માટે અકબંધ છે અને કુંવરજી બાવળીયાના આવવાથી ગ્રામ્ય મતદારો પણ ભાજપ તરફ વળશે તેમ સ્થાનિક આગેવાનો માની રહ્યાં છે.

નરેન્દ્ર મોદીનું રાજકોટ કનેક્શન જાણીતું છે. 2001માં જ્યારે તેમણે ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યું ત્યારે મોદી પેટાચૂંટણી રાજકોટ (2)થી લડ્યાં હતાં અને જીત્યા હતાં. આ બેઠક પરથી હવે વિજય રૂપાણી જીતે છે.

છેલ્લા થોડા સમયથી રાજકોટ પર સરકારનું વિશેષ ફોક્સ

સૌ પહેલાં તો રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળી. 2017માં મોદીએ રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ખાતમુહૂર્ત કર્યું. આ સિવાય, રાજકોટ-અમદાવાદ સિક્સ-લેન હાઇ-વેની સાથે સાથે હવે રાજકોટ-જેતપુર હાઇ-વેની પણ જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં માધાપુર ચોકડી પર ફ્લાય ઓવર બનાવવાની જાહેરાત થઇ અને ગોંડલ ચોકડી પર પણ ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી.

એક ગણિત એવું ચાલી રહ્યું છે કે, જો નરેન્દ્ર મોદી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે તો ભાજપ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ ફરે અને ભાજપને તેનો ફાયદા થાય. કેમ કે,  આ વખતે, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર બેઠક પર ભાજપને ચિંતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]