અમદાવાદઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગૃહપ્રધાન બનવા પર અમિત શાહને અભિનંદન તો આપ્યાં છે. સાથે જ કહ્યું છે કે મને ધમકીભર્યા સંદેશ મળી રહ્યા છે. જેમાં પૂછવામાં આવી રહ્યું છે કે હવે મારા જેવા લોકોનું શું થશે, જેઓ ભાજપ વિરુદ્ધ લડ્યાં. હાર્દિક પટેલે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “અમિત શાહ ગૃહ પ્રધાન બન્યાં છે એના માટે હું હાર્દિક શુભકામનાઓ આપું છું. પરંતુ આજે કેટલાક ભક્તોના મેસેજ આવ્યાં કે હવે તારુ શું થશે હાર્દિક. મતલબ કે અમિત શાહના ગૃહ પ્રધાન બન્યાં બાદ ભક્તો ખુશ છે. ભાજપ વિરુદ્ધ લડનારા અમારા જેવા યુવાનોને મારી નાંખવામાં આવશે? ચલો જેવી ભગવાનની ઈચ્છા”
અમિત શાહને નરેન્દ્ર મોદીના કેબિનેટમાં શામિલ કરવામાં આવ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની સરકારમાં અમિત શાહે ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. વડાપ્રધાન તરીકેના નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં શાહને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં પાટીદાર આરક્ષણ આંદોલનના નેતા રહેલા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. ઓબીસી કેટેગરીમાં પાટીદારોને શામિલ કરવાને લઈને આંદોલન દરમિયાન પટેલે અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેમના ઈશારા પર રાજ્યમાં પ્રદર્શનકારીઓ સાથે કડક વર્તન કરવામાં આવી રહ્યું છે.
હાર્દિક પટેલે પોતાના ટ્વીટમાં પૂછ્યું કે શું અમિત શાહના ગૃહ પ્રધાન બન્યા બાદ મારા જેવા યુવાનોને મારી નાંખવામાં આવશે? તેમણે કહ્યું કે બીજેપી ચીફના ગૃહ પ્રધાન બનવાથી ભક્તો અત્યંત ખુશ છે અને મને પૂછી રહ્યા છે કે હવે મારુ શું થશે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં બીજેપીએ સારુ પ્રદર્શન કર્યું અને કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યા.
ગુજરાત રાજ્યની તમામ 26 સીટો બીજેપીને મળી છે. પરિણામ આવ્યા બાદ હાર્દિક પટેલે આના પર હેરાનગતી વ્યક્ત કરી હતી. હાર્દિકે ટ્વીટમાં લખ્યું હતું કે, કોંગ્રેસ નહી… બેરોજગારી હારી છે, શિક્ષણ હાર્યું છે, મહિલાઓનું સન્માન હાર્યું છે, સામાન્ય જનતા સાથે જોડાયેલો દરેક મુદ્દો હાર્યો છે, એક આશા હારી છે. સાચુ કહીએ તો ભારતની જનતા હારી છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની લડાઈને સલામ કરું છું. લડીશું અને જીતીશું.