ગાંધીનગર- રાજ્ય સરકારના કર્મચારીઓના પ્રશ્નો માટે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે યોગ્ય હકારાત્મક પગલા લઇ રહી છે. રાજ્યમાં ચાલી રહેલ એસ.ટી. કર્મચારીઓ અને શિક્ષક કર્મચારીઓના આંદોલનનું સુ:ખદ સમાધાન થયું છે. બંને વિભાગના યુનિયનો સાથે થયેલ હકારાત્મક ચર્ચાના પરિણામે સમાધાન થયું છે.
નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યના ૧.૨૫ લાખથી વધુ શિક્ષકો અને એસ.ટી. નિગમના ૪૫૦૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા તેઓના પ્રશ્નો અંગે રાજ્ય સરકારને રજુઆતો કરાઇ હતી. તે સંદર્ભે મારા અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની કમિટીની રચના કરી આ યુનિયનો સાથે ચર્ચા વિચારણા કરવા જણાવ્યું હતું. અમે તબક્કાવાર બેઠકો કરી હતી. આજે પ્રધાનમંડળની બેઠક બાદ મુખ્યપ્રધાને એસ.ટી. અને શિક્ષકોના પ્રશ્નોનું સુ:ખદ સમાધાન કરવા સૂચનાઓ આપી હતી. આજે અમે તેમના યુનિયનો સાથે ઘનિષ્ઠ ચર્ચા વિચારણા કરી છે. રાજ્ય સરકારે તેમના પ્રશ્નો અંગે જે નિરાકરણ કર્યુ છે. તેનો યુનિયનોએ સહર્ષ સ્વીકાર કરીને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના કર્મચારીઓના પગાર ધોરણ અને અન્ય લાભો માટે ત્રણેય મંડળો દ્વારા જે રજુઆતો કરાઇ હતી તે બાબતે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે જેનો લાભ ૪૫૦૦૦ થી વધુ કર્મચારીઓને થશે. (૧) સાતમાં પગાર ધોરણનો સ્કેલ ટુ સ્કેલ અમલ તા.૦૧.૦૪.૨૦૧૮ થી કરવામાં આવશે. (૨) આ સેટલમેન્ટનો સમયગાળો તા.૦૧.૦૪.૨૦૧૮ થી આઠ વર્ષ એટલે કે, તા.૩૧.૦૩.૨૦૨૬ સુધીનો રહેશે તથા ત્યાર પછી દર દસ વર્ષનો રહેશે. (૩) ડ્રાઇવર કક્ષાનો ગ્રેડ-પે છઠ્ઠા પગાર ધોરણ પ્રમાણે રૂ.૧૬૫૦ થી વધારી રૂ.૧૮૦૦ અને કંડક્ટર કક્ષાનો ગ્રેડ-પે રૂ.૧૪૦૦ થી વધારી રૂ.૧૬૫૦ કરી તે મુજબ સાતમાં પગાર ધોરણનો સ્કેલ ટુ સ્કેલ લાભ આપવામાં આવશે. (૪) ફીક્સ પગારના કર્મચારીઓ માટે નિગમ દ્વારા હવે પછી નક્કી કર્યા અનુસાર સુધારા મુજબનો ફીક્સ પગાર આપવામાં આવશે. (૫) આ સાતમાં પગાર પંચની અમલવારી માર્ચ-૨૦૧૯ પેઇડ ઇન એપ્રિલ-૨૦૧૯ ના પગારમાં કરવામાં આવશે તેમજ તા.૦૧.૦૪.૨૦૧૮ થી તા.૨૮.૦૨.૨૦૧૯ સુધીનું એરીયર્સ જુન, ઓગસ્ટ અને ઓક્ટોબર-૨૦૧૯ એમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની પડતર માંગણીઓ સંદર્ભે રાજ્ય સરકારે જે નિર્ણય લીધા છે તેનો લાભ ૧.૨૫ લાખથી વધુ શિક્ષકોને મળશે. જેમાં (૧) પ્રાથમિક શિક્ષકોની ફીક્સ પગારની નોકરીનો સમયગાળો સળંગ ગણવાની બાબતનો રાજ્ય સરકારે સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે. (૨) ફીક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ વિષયક લાભો માટે પણ નોકરી સળંગ ગણવામાં આવશે. (૩) જે પ્રાથમિક શિક્ષકોને હાલની તારીખે જુની પેન્શન યોજના લાગુ પડે છે તેઓને જુની પેન્શન યોજના લાગુ પડશે અને જે પ્રાથમિક શિક્ષકો નવી પેન્શન યોજનામાં જોડાયેલ છે તેઓને નવી પેન્શન યોજના લાગુ પડશે. અર્થાત નોકરી સળંગ ગણવાથી તેઓને લાગુ પડેલ પેન્શન યોજનામાં કોઇ ફેરફાર કરવાનો રહેશે નહી. (૪) નોકરી સળંગ ગણવાને કારણે પગાર બાંધણી થતાં નક્કી થયેલ પગારનો કોઇપણ પ્રકારનો તફાવત રોકડમાં કે અન્ય રીતે ચુકવવાપાત્ર થશે નહી. આ ગણતરી નોશનલ કરવાની રહેશે. (૫) આ તમામ લાભો શિક્ષકોને ૦૧.૦૪.૨૦૧૯ થી મળવાપાત્ર થશે.