રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની શરુઆત…

અમદાવાદઃ આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરુ થઈ છે. રાજ્યના કુલ ૧૩૬ ઝોનમાં આ પરીક્ષા માટે ૧,૬૦૭ કેન્દ્રોના ૬૩,૬૧૫ ખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ૧૬ દિવસ સુધી પરીક્ષા વ્યવસ્થા માટે ૮૫ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ધો.૧૦ની ૧૯મી માર્ચે અને ધો.૧૨ની ૨૩મીએ પરીક્ષા પૂર્ણ થશે.

ધો.૧૦માં ૧૧,૫૯,૭૬૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જે ગત વર્ષ કરતાં ૫૦,૦૦૦ વધુ છે. ધો.૧૨ સાયન્સમાં કુલ ૧,૪૭,૩૦૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષ કરતાં ૨૦,૦૦૦ વધુ છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૩૩,૬૨૬ વિદ્યાર્થી નોંધાયા છે.

ધો.૧૨.સાયન્સ જૂની સેમેસ્ટર સિસ્ટમના ૧૦,૩૦૨ રિપીટર, ધો.૧૦માં કુલ ૬,૨૨૨ દિવ્યાંગ વિદ્યાર્થી નોંધાયા છે. ધો.૧૦માં ૪,૫૪,૨૯૭ વિદ્યાર્થિની અને ૭,૦૫,૪૬૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

શહેરની ભાવિન વિદ્યાવિહાર,દિવાન બલ્લૂભાઈ શાળા સહિત શહેરની અનેક શાળાઓમાં આજે વિદ્યાર્થીઓને તિલક કરી અને ગુલાબ આપી તેમનું પરિક્ષા ખંડમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરિતી ન થાય તે માટે તમામ વર્ગ ખંડમાં ખાસ સીસીટીવી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

પરીક્ષા આપવા માટે કેટલાક વિકલાંગ વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા હતા. વિકલાંગો માટે વિશિષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે વિકલાંગોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરીક્ષા કેન્દ્રોના સુપરવાઈઝર તેમજ અધિકારીઓ ભાવપૂર્વક વિકલાંગ બાળકોનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ તેમના માટે તેમને જરુરી એવી તમામ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)