દિવાળીમાં 108 એમ્બ્યુલન્સનું વિશેષ બંદોબસ્ત, 838 ટીમ સતર્ક

કોઈ પણ પર્વ હોય કે કંઈ પણ હોય 108 એમ્બુલન્સ હર હંમેશ લોકોની મદદે પહોંચી છે અને લોકોને સ્થળ પર સારવાર આપી સાજા પણ કર્યા છે.આવનાર દિવાળીના પર્વમાં 838 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કોલને લઈને તૈયાર રહેશે અને તેના કર્મચારીઓ ફરજ બજાવશે, 838 એમ્બ્યુલન્સ માંથી 38 એમ્બ્યુલન્સ ICUથી સજ્જ રહેશે જેમાં દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર 108 એમ્બ્યુલન્સ દ્વારા ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં પોઈન્ટ નક્કી કરાયા છે. જેમા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા છે. તંત્ર દ્વારા બ્લેકસ્પોટ પર બંદોબસ્ત, બમ્પ મુકવાની વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે સિગ્નલ અને સાઈનબોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે. તહેવારોના સમયે હોસ્પિટલ સાથે સંકલન કરી કેસ હેન્ડલ કરાય છે, તો દિવાળીના દિવસે બહુ ખાસ નહી પણ 2.5 ટકા કેસ વધી શકે છે. 108ના એમ્બ્યુલન્સને લઈ કર્મચારીનું કહેવું છે કે બેસતા વર્ષના દિવસે 16 ટકા કેસનો વધારો થાય છે. ભાઈ બીજના દિવસે 13 ટકા એટલે કે 5000 જેટલા કેસ વધે છે. દિવાળીમાં અકસ્માત,મારામારી અને પડી જવાના અને શ્વાસના કેસ વધુ હોય છે. બર્ન કેસમાં આ દિવસે 475 ટકા વધારો થતો હોય છે. ઉલ્લેખનીય છે કે તહેવાર સમયે અરવલ્લી,મહીસાગર, મહેસાણા, દાહોદમાં વધુ કેસ જોવા મળે છે. 108 ઈમરજન્સીના 17 વર્ષના સફરમાં ગુજરાતના 15.52 લાખ લોકોના જીવ બચાવીને તેમને નવી જીંદગી પ્રદાન કરી છે.