સમસ્યાના મૂળભૂત કારણને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સુલઝાવીએઃ શ્રી શ્રી રવિશંકર

દાવોસ/બેંગલુરુઃ વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ, શ્રી શ્રી રવિશંકરજીએ મહામારી પછીના આ સમયમાં દાવોસમાં વૈશ્વિક નેતાઓની વૈશ્વિક અર્થતંત્ર સભા-૨૦૨૩ (WEF)ને સંબોધિત કરી. તેમાં તેમણે કોવીડ-૧૯ મહામારીને પરિણામે નીપજેલી જટિલ વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત દુનિયાની માવજત કરવા બાબતે પોતાના વિચારો રજૂ કર્યા.

એમણે કહ્યું, “કોવીડ-૧૯ મહામારીનો દુનિયાભરમાં જે રીતે પ્રતિકાર કરવામાં આવ્યો તેનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે આપણે વધારે સારા અને યોગ્ય સ્વાસ્થ્ય પરિણામો હાંસલ કરી શકીએ છીએ. માનસિક સ્વાસ્થ્યની માવજત કરવાના હાલના ઉપાય બિનકારગત છે અને એક મૂળભૂત બદલાવની જરૂર છે. આપણે સમસ્યાનું જે મૂળભૂત કારણ હોય છે તેને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સુલઝાવવું જોઈએ અને મન તથા ભાવનાઓને નિયંત્રિત કરવા શ્વાસના ઉપયોગ પર સમીક્ષા કરવી જોઈએ.” તેમણે દુનિયાભરમાં માનસિક સ્વાસ્થ્ય પાછળ ખર્ચાતા ડોલર વિશે પણ વાત કરી. અને ઉમેર્યું કે આ પડકારને પહોંચી વળવા કેવી રીતે ભારત પાસે આયુર્વેદ,ધ્યાન અને યોગ સ્વરૂપે આધ્યાત્મિક તથા ખૂબ અસરકારક ઉપચાર પધ્ધતિઓ છે.

૫૩મી WEF નો વિષય હતોઃ ‘વિભાજીત દુનિયામાં સાથ-સહકાર’. આ વિષય આર્ટ ઓફ લિવિંગના કોસોવો, કોલંબિયા, લેબેનોન, ઈરાક, પાકિસ્તાન, ભારત અને અન્ય દેશોમાં ૪૦ દાયકા કરતાં વધારે સમયથી કરવામાં આવી રહેલા વિખવાદના નિરાકરણ તથા સંવાદ સાધવાના કાર્યોને સમાંતર છે. આ પરિસંવાદમાં ૧૩૦ દેશોના ૨૭૦૦ નેતાઓ અને ૫૨ દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ભારતના ૧૦૦ ઉચ્ચ પદાધિકારીઓ સમાવિષ્ટ છે. દુનિયાને અસર કરતી બાબતો જેમ કે ભૂ-રાજકીય વિખવાદો, ખોરાક અને ઊર્જાની ઉણપ, આબોહવામાં ફેરફારો અને અન્ય વિષયોની ચર્ચા કરવા તથા એક વધારે સ્થિતિસ્થાપક વૈશ્વિક વ્યવસ્થા માટેની રુપરેખા તૈયાર કરવા નેતાઓ એકત્રિત થઈ મંત્રણાઓ કરશે.

ગુરુદેવે ૨૧ વર્ષ પછી ફરીથી WEF માં પરિસંવાદને સંબોધન કર્યું. એમણે પોતાના વિચારો રજૂ કર્યા કે કેવી રીતે દુનિયાભરના દેશો સંયુક્ત રીતે વ્યુહાત્મક  સહકાર માટેના વિષયો પસંદ કરી શકે છે જેથી માનસિક સ્વાસ્થ્ય બાબતે સમજણ તથા સંધાન પેદા કરવા અને લાંછન દૂર કરવા માટેના ઉપાય શોધવા વાર્તાલાપ શરુ કરી શકાય.

માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓમાં પોતાના સફળ નીવડેલા અભિગમ વિશે એમણે જણાવ્યું-વ્યક્તિઓને મજબૂત બનાવીને સમાજને મજબૂત બનાવવો. આ અભિગમથી ૩૦,૦૦૦ કરતાં વધારે કાર્યક્રમના સંચાલકોને પ્રેરણા મળી છે અને ૧૦ લાખ કરતાં વધુ સ્વયંસેવકો વૈશ્વિક સ્તરે સજાગ અને અન્યોની કાળજી લેતા સમાજના ઘડતરમાં જોડાયા છે. આ સકારાત્મક ચળવળનો લાભ ૧૮૦ દેશોના ૫ કરોડ લોકોને વિવિધ રીતે મળ્યો છે: જેમ કે,

જેલો: દુનિયાના ૮ લાખ જેલવાસીઓને લાભ મળ્યો છે.

શાળાઓ: ભારતના અંતરિયાળ વિસ્તારોમાં ૧૦૯૬ નિઃશુલ્ક શાળાઓ ચાલે છે જે ૮૨,૦૦૦ કરતાં વધુ બાળકોને શિક્ષણ આપી રહી છે.

નદીઓનું પુનરુત્થાન: ભારતમાં ૭૦ નદીઓ અને ઉપનદીઓનું પુનરુત્થાન કરવામાં આવ્યું છે. ૨૨ લાખ ખેડૂતોને આબોહવાને અનુરૂપ તથા નૈસર્ગિક ખેતી માટે તાલીમ આપવા આવી છે.

કૌશલ્ય વિકાસ: ૨૩ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૦૦ કરતાં વધુ જિલ્લાઓમાં ૩,૦૯,૯૦૭ લોકોને વિવિધ કૌશલ્યની તાલીમ આપવામાં આવી છે. SSRDP દ્વારા સંચાલિત કૌશલ્ય વિકાસ કેન્દ્રો: વિવિધ ૫૦ કરતાં વધુ પ્રકારની રોજગારલક્ષી તાલીમ આપતા ૯૫ કૌશલ્ય વિકાસ કેન્દ્રો.