અમદાવાદ: ચૂંટણીમાં જ્યારે મતદાર વોટ આપવા જાય ત્યારે મતદાન મથકમાં ઉમેદવારોની યાદી જોઇને મુંઝવણમાં મુકાઇ જાય. અવનવા, અસંખ્ય પક્ષની યાદી જોવા મળે. પરંતુ કેટલાક પક્ષ કે અપક્ષના ઉમેદવારો મતદારોને એકવાર વિચારતા જરુર કરી નાંખતા હોય છે.
કારણ.. લોકશાહીમાં દરેક ક્ષેત્રમાં કામ કરતાં લોકોને સારા અને ખરાબ અનુભવોમાંથી પસાર થવું પડ્યું હોય છે. કેટલાક અનુભવો માણસના હૃદય અને માનસને હચમચાવી નાંખે છે. એના જીવનની દિશા બદલી નાંખે છે. અમદાવાદ શહેરની કલેકટર કચેરીમાં એક એવા જ સંગઠનના પ્રતિનિધિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા આવ્યા હતાં. પહેલી નજરે સુરક્ષા દળના જવાનો બંદોબસ્તમાં આવ્યા હોય એવું લાગે. પરંતુ ગુજરાત અર્ધ લશ્કર દળના જવાનોના સંગઠનમાંના એક સભ્ય અસારવા બેઠક પરથી ચૂંટણીનું ઉમેદવારી માટેનું ફોર્મ ભરવા આવ્યા હતાં.
ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના જવાનોએ દેશ માટે ખૂબ જ સેવા બજાવી છે. હવે ચૂંટણીમાં એમણે નવા પક્ષની રચના કરી છે.
અર્ધ લશ્કર સંગઠનના કેટલાક જવાનોએ ભારતીય જન પરિષદ નામના પક્ષની પણ રચના કરી છે. અમદાવાદ શહેરની અસારવા વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા વસંતભાઈ ચિત્રલેખા. કોમને કહે છે, અર્ધ લશ્કર દળના જવાનો પોતાના પ્રશ્નો ના નિરાકરણ માટે ઠેરઠેર ફર્યા. પરંતુ કોઈએ અમારી માંગણી અને લાગણીને સમજવાનો પ્રયાસ કર્યો નહીં. દિલ્હી સુધી જુદા જુદા કાર્યાલયોમાં ફર્યા પણ એક જ વસ્તુ જાણવા મળી કે…’તમે સિલેક્ટ હોવ અથવા ઇલેક્ટેડ હોવ તોજ તમારા કામ થાય…’ એટલે અમારા સંગઠને નક્કી કર્યું કે ચૂંટણીમાં ઉભા રહેવું અને જવાનોના પ્રશ્નો, સામાન્ય જનતાના પ્રશ્નોનું સરળતાથી સમાધાન ઉકેલ થાય એવા પ્રયત્નો કરવા.તાજેતરમાં જ ગુજરાતમાં ઘણાં સંગઠનો ચૂંટણી પહેલાં આંદોલન કરી રહ્યા હતા. એમાં લશ્કરના નિવૃત જવાનો પણ હતા. દેશની રક્ષા માટે પોતાની યુવાની આપી ચૂકેલા, સંઘર્ષ અને ઘર્ષણ કરી ચૂકેલા જવાનો હવે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)