બોટાદ લઠ્ઠાકાંડમાં છ PIને સસ્પેન્ડ કરાયાઃ બેની ટ્રાન્સફર

અમદાવાદઃ બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડની ગંભીર નોંધ લેતા રાજ્યના ગૃહ વિભાગે આકરી કાર્યવાહી શરૂ કરી છે, વિભાગે આઠ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અનેબે SPની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે,  જેમાં SPથી માંડીને PSI સુધીના પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે. ગૃહ વિભાગ દ્વારા બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વીરેન્દ્ર યાદવની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. વિભાગ દ્વારા ધોળકાના DYSP એન.વી. પટેલ તેમ જ બોટાદના DYSP એસ.કે. ત્રિવેદીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધંધુકાના PI કે.પી. જાડેજા, ધંધુકા CPI સુરેશ ચૌધરી, બરવાળાના PSI બી.જી. વાળા, રાણપુરના PSI શૈલેન્દ્રસિંહ રાણાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કેસમાં વધુ સાત આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવશે.

બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક હજી સતત વધી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને હજી કેટલાક દર્દીની હાલત ગંભીર છે, જેને જોતાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ વિશે કહ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય એ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. પોલીસ તરફથી 10 દિવસમાં આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. બીજીતરફ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે હજુ 97 લોકો સારવાર હેઠળ છે.