પાટનગરમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું આયોજન

ગાંધીનગર: સેકટર-૧માં સમદર્શન આશ્રમમાં બિરાજમાન ભગવાન કૃપાનિધિ મહાદેવના દ્વાદશવર્ષ પૂર્ણ થયાના પ્રસંગે સમદર્શન પરિવાર દ્વારા શ્રીમદ્‌ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંત અને પ્રખર વક્તા પરમ પૂજય ગુરુમા સમાનંદ સરસ્વતીજી ભાગવત કથાનું રસપાન કરાવશે. તારીખ ૧પ થી ર૧ ડિસેમ્બર દરમિયાન કથા યોજાશે. સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ દરમિયાન ભાવિક-ભક્તો કથા શ્રવણનો લાભ લઈ શકશે.

ગાંધીનગરના સમદર્શન આશ્રમમાં બિરાજમાન ગુરુમાં સમાનંદ સરસ્વતીજીએ સંતત્વના લક્ષણો સાથે બાળવયે જ અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો અડગ નિશ્ચય કરીને ગૃહત્યાગ કર્યો હતો. ગુરૂજનો પાસેથી ગહનશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અને પ્રભુ પ્રાપ્તિની અદમ્ય તત્પરતા સાથે તપ થકી જીવનનું લક્ષ્ય સિધ્ધ કરનાર સંત ગુરુમાં નિયમીત સ્વાધ્યાય વર્ગોમાં શ્રીમદ્‌ભગવદ્‌ ગીતા, ઉપનિષદો, પ્રકરણ ગ્રંથો અને અનેક પ્રોઢગ્રંથોની સરળ ભાષામાં સમજણ આપીને અનેક લોકોના જીવનમાં જ્ઞાનનાં અજવાળાં પાથરી રહ્યાં છે.

 

શ્રીમદ્‌ભાગવત કથા દરમિયાન તા. ૧૮મી ડિસેમ્બર ને બુધવારે સાંજે ૬.૦૦ કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૧૯ મી એ કાલિયદમન, ગોવર્ધનધારણ, રાસલીલા અને કંસઉદ્ધારના પ્રસંગો આવરી લેવાશે. જયારે ર૦મી ડિસેમ્બરે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના વિવાહ યોજાશે. તે દિવસે જ શ્રીકૃષ્ણ-સુદામા મિલનનો પ્રસંગ પણ આવશે. તારીખ ર૧મી ડિસેમ્બરને શનિવારે સાંજે ૩ થી ૬ વાગ્યા દરમિયાન કથા વિરામ અને સમાપન સમારોહ યોજાશે.