ગાંધીનગર: ગુજરાતના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવા માટે હવે કદાચ વિદેશ બીજા રાજ્યમાં જવાની જરૂર નહીં પડે. રાજ્યમાં હાલ સુધીમાં જૂની નીતિ અંતર્ગત કુલ પાંચ જિલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજો કાર્યરત છે. જેનીતિમાં ફેરફાર કરતાં વધું સાત જિલ્લામાં નવી મેડીકલ કોલેજો બનાવવા માટે સરકારે દરવાજા ખોલ્યા છે. નીતિમાં સુધારા-વધારા થતાં આ નવી તકો સર્જાઇ છે.
ગુજરાતના આરોગ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે 2016માં રાજ્યની જિલ્લાસ્તરની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે જિલ્લામાં હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કોલેજ ખોલવા અંગેની નીતિ બનાવવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યમાં હાલ બનાસકાંઠા, પાલનપુર, અમરેલી, દાહોદ, ભરૂચ અને તાપી-વ્યારા એમ પાંચ જિલ્લા ખાતે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ કાર્યરત છે. હવે બ્રાઉન ફીલ્ડ નીતિમાં સુધારો થવાથી બોટાદ, દેવભૂમિ-દ્વારકા, ગીર સોમનાથ, ખેડા-નડિયાદ, છોટાઉદેપુર, મહિસાગર-લુણાવાડા અને ડાંગ-આહવા એમ કુલ સાત જિલ્લામાં બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે. હોસ્પિટલ ખાતેની બ્લડ બેંક બ્રાઉન ફીલ્ડ મેડીકલ કૉલેજ બનાવ્યા પછી પણ ફરજિયાત ચાલુ રાખવાની રહેશે તથા દર્દીની જરૂરિયાત અને અગ્રતાને ઘ્યાને લઈ તમામને જરૂરીયાત મુજબ નિઃશૂલ્ક બ્લડ પુરૂ પાડવાનુ રહેશે તથા આજુબાજુની સરકારી સંસ્થાઓને જરૂરિયાત મુજબ કોઈપણ જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક બ્લડ આપવું પડશે.