CM બંગલે મહેમાનગતિ માણતાં મૂકબધિર બાળકો, ‘કોમનમેન’ની સંવેદના ખીલી

ગાંધીનગર– અમદાવાદ આશ્રમ રોડ સ્થિત મૂકબધિર શાળાના ર૧ જેટલાં બાળકોએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાને મહેમાનગતિ માણી હતી. મહત્વનું છે કે, ર૭ જૂન મૂકબધિર અને પ્રથમ દ્રષ્ટિહીન વિશ્વખ્યાત કવિયત્રી, લેખિકા, વ્યાખ્યાતા હેલન કેલરની જન્મ જયંતિ તરીકે મૂકબધિર બાળકો-વ્યકિતઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા મનાવવામાં આવે છે.

આ સંદર્ભમાં અમદાવાદની બહેરામૂંગા શાળા સોસાયટી, આશ્રમ રોડની શાળાના ર૧ જેટલા બાળકોએ સીએમ વિજયભાઇ રૂપાણી સાથે ‘સક્ષમ’ સેવા સંસ્થાના માધ્યમથી મુલાકાત કરી હતી. મુખ્યપ્રધાને આ બાળકો પાસેથી તેમને અપાતી સુવિધાઓ-શિક્ષણ વગેરે અંગેની વિગતો સંવેદનાસભર સહજ સંવાદ-વાર્તાલાપ કરીને મેળવી હતી. તેમણે હેલન કેલરના જીવન કવનમાંથી પ્રેરણા લઇ આ બાળકોને પણ સફળતાનો પથ કંડારવા શીખ આપી હતી.

વિજય રૂપાણીએ આ મૂકબધિર ભૂલકાંઓ સાથે ‘‘કોમન મેન સી.એમ’’ તરીકે એક કલાક જેવો સમય વિતાવી સંવેદનશીલ વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો.