2009 લઠ્ઠાકાંડનો ચૂકાદો આવશે આ તારીખે…

અમદાવાદઃ વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટ પોતાનો ચૂકાદો છઠ્ઠી જુલાઈના રોજ આપશે. રથયાત્રાને પગલે કોર્ટે હાલ ચુકાદો મુલતવી રાખ્યો છે. આ કેસમાં કુલ 33થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. શુક્રવારે સેશન્સ જજ ડીપી મહિડા પોતાનો ચૂકાદો આપી શકે છે. આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચુકી છે.

ઉલ્લેખનીય છે કે 9થી 11મી જૂન, 2009 દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો હતો. આ બનાવમાં ઓઢવ વિસ્તારમાં 123 લોકોનાં મોત થયા હતા, જ્યારે 200 લોકોને અન્ય તકલીફો થઈ હતી. આ પહેલા 28મી માર્ચ, 2019ના રોજ શહેરમાં કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદામાં કોર્ટે 10 આરોપીઓને દોષિત જાહેર કર્યાં હતાં.કાગડાપીઠમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મામલે સ્પેશિયલ કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ અને અન્ય 8 મહિલાઓને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કેસમાં મિનિમમ 10 વર્ષની સજાની જોગવાઈ છે. આથી આરોપીઓને વધુમાં વધુ સજા થવી જોઈએ. કારણ કે આટલા બધા લોકોના જીવ ગયા છે અને આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. આ કેસમાં દરેક ગુના માટે અલગ અલગ સજા થવી જોઈએ.

સ્પેશિયલ દોષિત જાહેર કરેલા લોકોમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ડગરી ચંદુ ચૌહાણ, અરવિંદ ઉર્ફે ઘનશ્યામ તળપદા, વિમળા અર્જુન ચુનારા, આશા રાજુ ચુનારા, સુનિતા અશોક ચુનારા, ભૂરી મહેશ ચુનારા, લતા મનુ ચુનારા, સજન બાબુ ચુનારા, સોમી ઠાકોર, ગંગા બાબુ ચુનારામ સમાવેશ થાય છે.

કોર્ટે વિનોદ ડગરીને 10 વર્ષની સજા અને 50 હજારનો દંડ, અરવિંદને 7 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો. દોષિત જાહેર થયેલી અન્ય સાત મહિલાને 6 માસની સજા અને 500નો દંડ, સોમી ઠાકોરને 2 વર્ષની સજા અને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 25 આરોપી હતા, જેમાંથી 10 દોષિત અને 12 નિર્દોષ જાહેર થયા હતા. આ કેસમાં ત્રણ આરોપી ફરાર છે. કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડમાં 24 લોકોનાં મોત થયા હતા.