અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં થયેલા ગેંગ રેપનો મામલો દિવસે ને દિવસે વધુ ગુંચવાઈ રહ્યો છે. ત્યારે પીડિતાએ ગઈકાલે કરેલા આક્ષેપો બાદ આજે વૃષભ મારૂના પરિવારે કેટલાક ખુલાસા કર્યા છે. ઉલ્લેખનીય છે કે વૃષભ મારૂ હાલ પોલિસ પકડથી દૂર છે ત્યારે તેના પરિવારે મીડિયા કેટલાક ખુલાસા કર્યા છે.
વૃષભના પરિવારે જણાવ્યું કે પ્રેમ પ્રકરણમાં ખોટી રીતે વૃષભને ફસાવવામાં આવ્યો છે. અને સાથે જ વૃષભના પરિજનોએ જણાવ્યું કે આખરે પુરાવા વગર વૃષભ પર આરોપો કેવી રીતે લગાવાયા? પરિવારે જણાવ્યું કે વૃષભ નિર્દોષ છે અને ઘટના સમયે તે એમપીમાં હતો. અત્યારે હાલ વૃષભ પોલીસ પકડથી દૂર છે ત્યારે તેના પરિજનોએ જણાવ્યું છે કે વૃષભ ગભરાઈને ક્યાંક ચાલ્યો ગયો છે અને પોલીસ દ્વારા ખરી તપાસ કરવામાં આવે. વૃષભના પિતાએ જણાવ્યું કે તેનું ઈન્સ્ટાગ્રામ ડમી બનાવવામાં આવ્યું છે. તો સાથે જ વૃષભના પિતાએ જણાવ્યું કે વૃષભ પીડિતાને ઓળખતો જ નથી. વૃષભના પરિજનોએ જણાવ્યું કે વૃષભના નામે કોણે ડમી અકાઉન્ટ બનાવ્યું અને આખરે કોણે તેની સાથે વૃષભના આ ડમી એકાઉન્ટ દ્વારા વાત કરી તે અમારે જાણવું છે અને સાથે જ જણાવ્યું કે આ આખા મામલામાં વૃષભને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે પીડિતાનો પરિવાર પણ મીડિયા સામે આવ્યો હતો તેમજ ક્રાઇમ બ્રાંચ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાંચના વડા જે.કે. ભટ્ટ તેમને નિવેદન બદલવા માટે દબાણ કરી રહ્યા છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે તેને સતત એકના એક પ્રશ્નો પૂછવામાં આવે છે. તેની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેને વાંરવાર ક્રાઇમ બ્રાંચ બોલાવવામાં આવી રહી છે. પીડિતાએ એવી પણ માંગણી કરી હતી કે આ કેસમાંથી જે.કે. ભટ્ટને હટાવવામાં આવે.
ત્યારે આ મામલે પીડિતાના પિતાએ હાઈકોર્ટમાં આ કેસની નિષ્પક્ષ તપાસ થાય તે માટે પણ અરજી કરી છે અને ક્રાઈમ બ્રાન્ચની જગ્યાએ અન્ય સ્વતંત્ર સંસ્થાને કેસ સોંપવા માંગણી કરવામાં આવી છે. આ મામલે હાઈકોર્ટમાં પાંચ વાગ્યે અરજન્ટ સુનાવણી થશે.
સમગ્ર મામલે પીડિતાના આવા આક્ષેપ બાદ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર એ.કે. સિંઘે આ કેસમાં સત્ય બહાર લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ક્રાઇમ બ્રાંચની તપાસમાં તેમને વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે અમે ઉતાવળમાં કોઈ કાર્યવાહી કરવા નથી માંગતા. પીડિતાને ન્યાય મળે એ જ અમારું અંતિમ લક્ષ્ય છે. અને આ મામલે ચોક્કસ પ્રકારે તપાસ કરવામાં આવશે.
પોલિસ કમિશનર એકે સિંહે જણાવ્યું હતું કે પીડિતા અને તેના પરિવારનો વિશ્વાસ સંપાદન કરવા પૂરતો પ્રયાસ કરાશે. આ માટે અમે વિક્ટિમ સપોર્ટ ટીમની રચના કરી છે. જે પણ આરોપો થયા છે તે અમારા માટે ચેલેન્જ છે.પોલીસ મહિલાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આ કેસમાં જે સત્ય હશે તે બહાર લાવવામાં આવશે.