ગાંધીનગર- ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે સરદાર પટેલની પ્રતિમાના મુદ્દે ડેપ્યુટી સીએમ નિતીન પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી આમનેસામને આવી ગયા હતા. ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રશ્નોતરી ચાલતી હતી, ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરદારની પ્રતિમા લોખંડના ભંગારમાંથી બનાવી હોવાનું કહેતાં સત્તાધારી પક્ષ ભાજપે વિરોધ નોંધાવ્યો હતો. અને ધાનાણીને માફી માંગવા કહ્યું હતું. સરદારની પ્રતિમાના મુદ્દે ધાનાણીના નિવેદન પછી ગૃહમાં ભારે હોબાળો થયો અને ગૃહ એક વખત 15 મીનીટ અને બીજી વખત 45 મીનીટ મુલતવી રહ્યું હતું.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદન પછી નિતીનભાઈ પટેલ અને ભાજપના ધારાસભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો, અને ધાનાણી માફી માંગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ ભંગાર છે, એવા પણ સુત્રોચ્ચાર થયા હતા. 15 મીનીટ મુલતવી રહ્યા પછી ગૃહ ફરીથી શરૂ થયું ત્યારે ભાજપે કહ્યું કે કોંગ્રેસ માફી માંગે.. સરદારનું અપમાન કર્યું છે. જો કે ધાનાણીએ માફી ન માંગતાં ગૃહને ફરીથી મુલતવી રાખવાની ફરજ પડી હતી.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન થયેલ હોબાળાને કારણે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમની ચેમ્બરમાં બેઠક બોલાવી હતી. જેમાં વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, સીનીયર નેતા પૂજા વંશ, વિરજી ઠુમ્મર સહિત રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્મા અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલ હાજર રહ્યા હતા, પણ આ બેઠકમાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું.
નિતીન પટેલે જણાવ્યું હતું કે હું સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ગૃહને જાણકારી આપતો હતો, ત્યારે કોંગ્રેસ વિપક્ષના નેતા પરેશભાઈ પ્રશ્ન પુછવા ઉભા થયા અને સરદારનું અપમાન થાય તેવો પ્રશ્ન પુછ્યો હતો. સરકારે લોખંડનો ભંગાર ભેગો કરીને પુતળું ઉભુ કર્યું છે. પરેશભાઈ ત્રણ વખત આ વાકય ઉચ્ચાર્યું હતું. પરેશભાઈ માફી નહી માંગે ત્યાં સુધી ગૃહ મુલતવી રહેશે, અને ભાજપ પરેશનો વિરોધ કરશે. પરેશ ધાનાણીએ માફી તો માંગવી જ પડશે, એમ નિતીન પટેલે કહ્યું હતું.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે મારા એક પણ શબ્દથી સરદારનું અપમાન થયું હોય તો હું એક હજારવાર માફી માંગીશ.મારા કહેલા શબ્દો અસંસદીય હોય તો હું માફી માંગવા તૈયાર છું. ભંગારમાંથી પ્રતિમા તૈયાર કરી એ માટે વડાપ્રધાન અને સરકાર માફી માંગે.ભાજપ પોતાની ઓળખ ઉભી નથી કરી શકી એટલે તેઓ પારકા નેતાને પોતાના બનાવે છે. ભાજપની સરકારે સરદાર પટેલનું અપમાન કર્યું છે. ભંગારના ભુક્કામાંથી સરદારને કેદ કરવાનું કામ આ સરકારે કર્યું છે. ભીખ માંગીને ભંગારમાંથી સરદારને કેદ કરવાનું પાપ સરકારે કર્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ પર જ લખ્યું છે કે તેમણે લોકો પાસેથી લોખંડ ભેગું કર્યું છે. લોખંડના ભંગારમાંથી સરદારને વિદેશી પ્રતિમામાં કેદ કરાઈ છે. ભાજપના સાશનમાં સંવિધાન ખતરામાં છે. આ જ ભાજપે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલ સાથે જોડવાનું હતું ત્યારે વિરોધ કર્યો હતો. સરદાર પટેલની પ્રતિમા હેઠળ પોતાની નિષ્ફળતા ભાજપ છુપાવવા પ્રયાસ કરે છે. રાજકીય રોટલા શેકવા માટે ભાજપ સરદાર પટેલનો ઉપયોગ કરે છે.
પરેશ ધાનાણી 1 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ
ગૃહ બીજી વખત મુલતવી રહ્યા પછી પણ પરેશ ધાનાણી અડગ રહ્યા હતા, અને માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. નીતિન પટેલ અને ધાનાણી આમને સામને આવી ગયા હતા. નીતિન પટેલે પરેશ ધાનાણીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાન મુક્યો હતો અને ભૂપેન્દ્રસિંહએ ટેકો આપ્યો. બાદમાં અધ્યક્ષે ધારાસભ્યોની બહુમતિથી પરેશ ધાનાણીને સસ્પેન્ડ કર્યા હતા. વિપક્ષીનેતા પરેશ ધાનાણીને સસ્પેન્ડ કરતાં કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને સસ્પેન્ડ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઓફિસમાં બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પંકજ પટેલ અને પ્રદિપસિંહ જાડેજા બેઠકમાં હાજર રહ્યા હતા.