બનાસકાંઠાઃ તીડને લઈને ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. સતત બે દિવસ પવનની દિશા રાજસ્થાન તરફ હોવાથી તીડનું ઝુંડ રાજસ્થાન તરફ ગયું.
તંત્ર દ્વારા બનાસકાંઠામાં તીડ આક્રમણ બાદની દવા છંટકાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. તીડ પર 95 ટકા નિયંત્રણ કર્યું હોવાનો તંત્રએ દાવો કર્યો છે. છેલ્લા 3 દિવસથી કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક તંત્રની 45 જેટલી ટીમો કામે લાગી હતી.સ્થાનિક ખેડૂતોની પણ મદદ લઇ 100 ટ્રેક્ટર દ્વારા દવા છંટકાવ કરાયો હતો. તીડનું મોટું ઝૂંડ સંચોર તરફ જતા ખેડૂતોને રાહત થઈ છે. ધાનેરામાં છૂટા છવાયા તીડ પર હજુ પણ દવા છંટકાવની કામગીરી ચાલુ છે જ્યારે થરાદમાં એક હેક્ટરમાં અંદાજે 4 લાખ જેટલા તીડ હતા, તેમાંથી 3 હજાર હેક્ટર જમીન પર તીડનું સતત 3 દિવસ સુધી આક્રમણ થયું હતું.
બનાસકાંઠાના ૧૩ તાલુકાઓના ૧૧૪ ગામોમાં, મહેસાણા જિલ્લાના ૧ તાલુકાના ૫ ગામોમાં, પાટણ જિલ્લાના ૨ તાલુકાના ૪ ગામોમાં તથા સાબરકાંઠાના ૧ ગામમાં મળીને કુલ ૪ જિલ્લાના ૧૭ તાલુકાના ૧૨૪ ગામોમાં તીડની હાજરી જોવા મળી છે. આ લોકેશન ટ્રેક કરી બધી જગ્યાએ તીડ નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
દિવસ દરમિયાન તીડ ઊડતાં રહે છે અને રાત્રે બેસી જાય છે, પણ રાત્રે તેઓ શરીરના છીદ્રો સંકોચી લેતાં હોઈ દવાની અસર ઓછી થતી હોઈ સવારે તેઓ ૧૦ વાગે તડકો નીકળતાં ઊડવાનું શરૂ કરે તે પહેલાં પાંચ-છ વાગ્યાથી દવા છંટકાવ શરૂ કરવામાં આવે છે, એમ કૃષિ વિભાગના એસીએસએ જણાવ્યું હતું.