છેવટે નિત્યાનંદના આશ્રમ પર ઔડાનું બુલડોઝર ફરી વળ્યું

અમદાવાદઃ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમને ઔડા દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બે યુવતીઓ ગુમ થવા અને બાળકોને ગોંધી રાખવા મામલે હીરાપુરમાં આવેલી ડીપીએસ ઈસ્ટ સ્કુલના કેમ્પસમાં આ ગેરકાયદે આશ્રમ ચાલી રહ્યો હતો. ઔડાએ આજે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કર્યા બાદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ 20 હજારવાર જગ્યાનો કબજો લીધો હતો. આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ પણ તોડી પડવામાં આવ્યા છે. ડીપીએસની અરજી બાદ નિયમ અનુસાર ઔડાએ 40 ટકા જમીન પાછી લીધી છે.

ડીપીએસ ઈસ્ટ-સ્કૂલના મેનેજમૅન્ટ દ્વારા સ્વામી નિત્યાનંદના સર્વાજ્ઞપીઠમ આશ્રમને સ્કૂલની જમીન ભાડે આપવામાં આવી હતી. એ આશ્રમમાંથી યુવતીઓ ગુમ થવાની અને બાળકોને ગોંધી રાખવાની ફરિયાદો થઈ અને એ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ દાખલ થઈ હતી. ત્યાર પછી સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. પોલીસ ફરિયાદ તેમજ જમીન વિવાદના પ્રકરણને ધ્યાનમાં લઇને સીબીએસઈ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને એનઓસીની તપાસ મુદ્દે જાણ કરવામાં આવી હતી. જેને પગલે રાજ્ય શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી જેમાં બહાર આવ્યું હતું કે, 2009માં સ્કૂલ તરફથી અરજી કરી હતી, પરંતુ જમીન વગેરેના દસ્તાવેજ પૂરતા ન હોવાથી એનઓસીની અરજી નામંજૂર થઈ હતી.

આ બાબતે સરકારે સીબીએસઈને અહેવાલ મોકલ્યો હતો. ગુજરાત સરકારના અહેવાલને લઈને સીબીએસઈએ સ્કૂલને સાત દિવસમાં જવાબ આપવાની નોટિસ આપી હતી. સ્કૂલે 29 નવેમ્બરે જે જવાબ રજૂ કર્યો હતો, તેને સીબીએસઈએ માન્ય રાખ્યો ન હતો અને એ રીતે સ્કૂલની માન્યતા રદ કરાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]