ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શ્રમ રોજગાર વિભાગના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે નાના વેપારીઓ અને અન્ય એકમો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
હવેથી રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આ અંગે જાણકારી આપી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને રાજ્યના વેપારીઓ આવકારી રહ્યાં છે.
નિતીન પટેલે જણાવ્યું કે હવેથી રાજ્યમાં 24 કલાક બજારો ધમધમતાં થશે. જો કે આ સમયમર્યાદામાં વધારો અથવા ઘટાડો કરવાનો નિર્ણય કલેક્ટર કમિશનર અને ડીએસપી પાસે રહેશે. બીજા સુધારાઓ હેઠળ 100 કરતાં વધારે કર્મચારીઓ જે જગ્યાએ કામ કરતા હશે ત્યાં કેન્ટિન ફરજિયાત બનાવવામાં આવશે અને આ ઉપરાંત ઓવરટાઈમ માટે ડબલ પગારની વ્યવસ્થા કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ અને ખેડૂતો સહિત મહિલા કર્મચારીઓને પણ સુધારા હેઠળ આવરી લેવાયા છે. હવેથી મહિલા કર્મચારીઓને સવારે 9 થી સાંજે 6 કલાક સુધી જ કામ પર રાખી શકાશે. આ ઉપરાંત કેબિનેટમાં ખેડૂતો માટે પણ મોટો નિર્ણય લેવાયો હતો. જે હેઠળ રાજ્ય સરકાર 15 ફેબ્રુઆરીથી જળસંચય અભિયાન શરુ કરશે. આ જળ સંચય અભિયાનમાં રાજ્ય સરકાર ખેડૂતોને 50%ની જગ્યાએ 60% ગ્રાન્ટ આપશે.