અમદાવાદ: દિલ્હી સાહિત્ય અકાદમી અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે 19 ડિસેમ્બર ના રોજ સાંજે 5:30 વાગ્યે વિશ્વકોશ ભવન, ઉસ્માનપુરા અમદાવાદ ખાતે લેખક સાથે મુલાકાત કાર્યક્રમમાં આપણી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર-હાસ્ય સર્જક રતિલાલ બોરીસાગર સાથે ગોષ્ઠીનો કાર્યક્રમનું આયોજન છે. ત્યારે આજે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા એમના પુસ્તક ‘મોજમાં રહેવું રે’ ને 2019ના વર્ષ માટેનો એવોર્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી સાહિત્ય રસિકોમાં ભારે હર્ષ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ છે.
હાસ્ય, બાળ સાહિત્ય, કેળવણી, વિવેચન અને વિવિધ સાહિત્ય પ્રકારના સંપાદનો સહિત રતિલાલ બોરીસાગરના 30થી વધુ પુસ્તકો પ્રકાશિત થાય છે. અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ઘનશ્યામદાસ શરાફ ઉત્તમ સાહિત્ય એવોર્ડ, ધનજીકાનજી ગોલ્ડ મેડલ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, મુંબઈના ‘નર્મદ પારિતોષિક’ જેવા અનેક સાહિત્યિક સમ્માનો એમના પુસ્તકોને મળ્યા છે.
રતિલાલ બોરીસાગરે સર્જક તરીકે લેખનનો પ્રારંભ વાર્તા લખવાથી કર્યો, પણ પ્રતિષ્ઠા કમાયા, સ્થિર થયા હાસ્યનિબંધમાં. તેમનું મુખ્ય પ્રદાન હાસ્ય નિબંધમાં ગણાશે. તેમનાં હાસ્યના બાર પુસ્તકો ગુજરાતી ભાષામાં ખુબ આવકાર પામ્યા છે. ઉત્તમ વિવેચકોએ તેની પ્રતિષ્ઠા કરી છે-પ્રશંસા કરી છે તો યુનિવર્સિટીઓમાં પાઠ્ય પુસ્તકમાં પણ સ્થાન પામ્યા છે.
બોરીસાગર સર્જક-લેખક તરીકે વિખ્યાત છે તેમ ઉત્તમ વક્તા તરીકે પણ વ્યાપક સ્વીકાર પામ્યા છે. તેઓ સાહિત્ય શિક્ષણ, ગાંધીવિચાર, ધર્મ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર-કોઈ પણ વિષય ઉપર બોલી શકે છે, અને તેઓ વક્તવ્ય આપે ત્યારે તેમની અધ્યનશીલતા, સંદર્ભોની વ્યાપક્તા અને જીવનના પરમ મુલ્યોની શ્રદ્ધા તથા હાસ્યના પૂર સાથે રજૂ કરવાની કળાને કારણે શ્રોતાઓમાં તેઓ યાદગાર બની રહે છે.
31 ઓગસ્ટ 1938ના રોજ, સાવરકુંડલા (જી.એમરેલી, સૌરાષ્ટ્ર) ખાતે જન્મેલા રતિલાલ બોરીસાગરને સમાજ તરફથી એમને મળેલા પ્રેમ, આદર અને યશમાં તેઓ ભારે નસીબદાર રહ્યા છે. પિતા મોહનભાઈ તરફથી એમને પ્રમાણિકતા અને શિક્ષણની નિષ્ઠાનો વારસો મળ્યો છે, તો હાસ્યનો વારસો એમને માતા સંતોકબેન પાસેથી મળ્યો છે અને બંને વારસાને એમણે ઉજાળ્યા છે.
એમણે ઉચ્ચ શિક્ષણમાં બીએડ સિવાય પીએચડી સુધીનો તમામ અભ્યાસ એકસ્ટર્નલ વિદ્યાર્થી તરીકે જ કર્યો છે પરંતુ કારકીર્દી અત્યંત તેજસ્વી રહી છે. શિક્ષણ બોરીસાગરનો જીવનરસ, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજ એમ તમામ કક્ષાએ કુલ સોળ વર્ષ એમણે ભણાવ્યું તેમાં સર્વવત્સલ, લોકપ્રિય, આદરણીય અને ઊંડા- રસિક અભ્યાસનું માન કમાયા, અને એટલે તો એમના પૂર્વ વિદ્યાર્થી 50 વર્ષ પછીયે, ગુરુ તરફના ઋણ ચૂકવવાની એક કોશિશરૂપે એમના નામનું ટ્રસ્ટ બનાવ્યું- “વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરિસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન” 2011માં પૂ. મોરારિબાપુના હસ્તે એમનું મોટું સમ્માન થયું અને પૂ. બાપુના જ આશીર્વાદ સાથે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શિક્ષણ અને સાહિત્યના ચાર એવોર્ડ્ઝ અપાય છે. પાંચેક વર્ષ પહેલાં શ્રી બોરિસાગરે આગ્રહપૂર્વક પોતાનું નામ ટ્રસ્ટના નામમાંથી કઢાવ્યું અને પછીથી રચાયેલા “શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન” નામના ટ્રસ્ટના નેજા હેઠળ “શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર” નામની તદ્દન નિઃશુલ્ક એવી હોસ્પિટલ પણ શરૂ થઈ જેમાં પાંચ વર્ષમાં પાંચ લાખથી વધુ દર્દીને તદ્દન નિઃશુલ્ક છતાં પ્રેમ અને આદર સાથે વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો છે.
કોઈ શિક્ષક તરફનું ઋણ ચૂકવવા ટ્રસ્ટ રચાય અને એમાંથી હોસ્પિટલ બને અને લાખો દર્દી એનો નિઃશુલ્ક લાભ મેળવે એ ઘટના ગુજરાતના શિક્ષણ અને સાહિત્યજગતની એક વિરલ ઘટના ગણવી જોઈએ.
સાવરકુંડલામાં 16 વર્ષની ઉત્તમ શિક્ષક તરીકેની કારકિર્દી પછી ગાંધીનગર ખાતેના પાઠ્યપુસ્તક મંડળમાં(1974થી 1998) શ્રી રતિલાલ બોરિસાગરે એકેડેમિક સેક્રેટરી અને ડેપ્યુટી ડાયરક્ટરની જવાબદારી સંભાળી. હાલ શ્રી બોરીસાગર પોતાની નિવૃત્તિ દરમિયાન પણ સાહિત્યના સર્જન-સંપાદનમાં આનંદપૂર્વકનું જીવન ગાળે છે.