અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તૈયારીઓ ખૂબ સારી રીતે ચાલી રહી છે. આસ્થા અને વ્યવસ્થા સાથે એકતાનો સંદેશ આપતી આ રથયાત્રા છે. મોટી સંખ્યામાં શહેરીજનો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ માટે અમદાવાદ પોલીસ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, એમ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
જોકે એ રથયાત્રા પહેલાં ગૃહ રાજ્યપ્રધાનની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટની સમીક્ષા કરી હતી. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમ જ ટ્રસ્ટના પદાધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.જગન્નાથ મંદિરથી શરૂ થયેલી આ સમીક્ષા યાત્રા 16 કિલોમીટરના રથયાત્રાના રૂટ પરનાં ચોક, પોળના નાકાઓ, ધાર્મિક સ્થળો પર સૌહાર્દપૂર્ણ વાતાવરણનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. પોલીસ કાફલો જ્યાં જ્યાંથી પસાર થયો ત્યાં ઘર, દુકાન અને ચાર રસ્તાઓ પર ‘કોમી એકતા ઝિંદાબાદ’, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’, ‘જય રણછોડ, માખણચોર’ના નારા લગાવવામાં આવ્યા હતા.
રથયાત્રાના રૂટ પર તંબુ ચોકીમાં સામાજિક આગેવાનોએ ગૃહ રાજ્યપ્રધાનનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25,000 જવાનો જોડાયા છે, જેમાં સેન્ટ્રલ પોલીસ, રાજ્ય પોલીસ, નજીકના જિલ્લા અને શહેર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોડવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનર સહિત સમગ્ર પોલીસ ટીમે રિયલ ટાઈમ રિહર્સલ કર્યું છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થવાની છે એ તમામ સ્થળો પર સલામતી સંબંધી તમામ પાસાંઓને આવરી લેતી 360 ડિગ્રી સમીક્ષા કરવામાં આવી હતી.
