રાજકોટઃ લાઈફ કેર નામની હોસ્પિટલ ચલાવતા બોગસ તબીબ ડો. શ્યામ રાજાણીના માર માર્યા બાદ ગાયબ થયેલો પ્રાસલી ગામનો યુવાન મયુર મોરી મળી આવ્યો છે. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે યુવકને શોધી કાઢ્યો છે. અત્યારે પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
લાઇફ કેરના ડો. શ્યામ રાજાણીએ એક કારમાં યુવકને ગોંધી રાખીને માર માર્યો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. ડોક્ટરના માર બાદ યુવક ગુમ થઈ ગયો હતો. બીજી તરફ ડો. શ્યામ રાજાણી સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
યુવકને માર મારવાના વીડિયોની તપાસ કરતી પોલીસે ડો. શ્યામની તબીબની ડીગ્રી અંગે તપાસ કરી હતી. જે બાદમાં માલુમ પડ્યું હતું કે તબીબ પાસે ડોક્ટરની કોઈ જ ડીગ્રી નથી. આ મામલે તંત્ર તરફથી હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું હતું.
બીજી તરફ આ કેસની તપાસ દરમિયાન મંગળવારે લાઇફ કેર હોસ્પિટલમાંથી સરકારી દવાનો જથ્થો મળી ગયો હતો. બુધવારે સિવિલ હોસ્પિટલે આ જથ્થો સરકારી દવાનો જ હોવાની પુષ્ટિ કરી હતી જે બાદમાં ડો. રાજાણ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જિલ્લાના આરોગ્ય વિભાગ તરફથી આ મામલે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ તરફથી ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા, સરકારી દવાનો જથ્થો રાખવા મામલે શ્યામ રાજાણી અને તેના પિતા હેમંત રાજાણી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજાણીનો કેસ સામે આવ્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સફાળું જાગ્યું છે. હવે તંત્ર તરફથી શહેરમાં આવેલી 600 જેટલી હોસ્પિટલનોના રજિસ્ટ્રેશન સહિતની માહિતીની તપાસ કરવામાં આવશે. હોસ્પિટલને તંત્રની મંજૂરી છે કે નહીં, તેમજ લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યું છે કે નહીં સહિતની વિગતો ચકાસવામાં આવશે.