રાજકોટ- રાજકોટમાં એક જ્વેલર્સે વડાપ્રધાન મોદી માટે એક અનોખી ભેટ તૈયાર કરી છે. આ જ્વેલર્સે પીએમ મોદી માટે સોના-ચાંદીમાંથી ખાસ 3 મોમેન્ટો (સ્મૃતિ ચિહ્ન) બનાવ્યા છે. જેને પોતે ખુદ વડાપ્રધાનને મળીને ગિફ્ટ કરવાનો પ્લાન ધરાવે છે.
આ જ્વેલરે ચૂંટણીની તારીખ નક્કી થયાં પછીથી સ્મૃતિ ચિહ્ન બનાવવા પર કામ ચાલુ કરી દીધું હતું. જ્વેલરે જણાવ્યું કે હવે પરિણામો જાહેર થઈ ગયા છે તો અમે પીએમઓ પાસેથી તારીખ લઈને તેમને આ સ્મૃતિ ચિહ્નનો ભેટ કરીશું. ત્રણ અલગ અલગ થીમ પર શુદ્ધ સોના અને ચાંદીથી સ્મૃતિ ચિહ્નને બનાવ્યા છે.
તેઓ જણાવે છે કે પહેલા ભારત દેશ ‘સોને કી ચીડીયા’ તરીકે ઓળખાતો હતો. મોદીનું સ્વપ્ન છે કે, દેશને ફરીથી સોનાની ચીડીયા તરીકે ઓળખવામાં આવે. જેથી કશ્મીરથી કન્યાકુમારી સુધી અમે દેશને સોનાનો બનાવ્યો છે અને નક્શાની વચ્ચે મોદી સલામી આપતા હોય તેવો ફોટો મુક્યો છે. ફ્રેમ પર ભારત માતા કી જય નો નારો મુક્યો છે.
બીજા ફ્રેમમાં વિશ્વના નેતાઓની છબી છે જેમાં વડાપ્રધાન મોદીનો ફોટો છે. તેની પાછળનું કારણ જ્વેલરે જણાવ્યું કે મોદીના સત્તામાં આવ્યા પછી ભારત તરફ દુનિયાના દેશો આકર્ષાયા છે. ત્રીજા ફ્રેમ સ્વચ્છ ભારત ઝૂંબેશ અને આતંકી હુમલામાં શહિદ સૈનિકો પર આધારિત છે.
મહત્તવનું છે કે આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પરના શપથ લેવાના છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળના સભ્યોને પદ તેમજ ગુપ્તતાના શપથ લેવડાવશે. આજે સવારે જ પીએમ મોદીએ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી હતી.