નવરાત્રિ પર વરસાદનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં ચોમાસાનો રાઉન્ડ હજુ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં ચાલુ છે, ત્યારે બીજી તરફ ખેલૈયાઓ જેના આતુરતાપૂર્વક ઇંતઝાર કરી રહ્યા છે તે આસો નવરાત્રિના ઉત્સવ પર વરસાદી વિઘ્ન સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આસો નવરાત્રિના ઉત્તરાધંમાં એટલે કે સપ્તમીથી દશેરા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આકરી આગાહી કરી છે.

સાતમથી દશેરા સુધી વરસાદી માહોલની શક્યતા

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, નવરાત્રિના શરૂઆતના દિવસો સામાન્ય રહ્યા બાદ ઉત્તરાર્ધમાં એટલે કે સાતમ, આઠમ, નોમ અને દશેરાના દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બની શકે છે. જો આ આગાહી સાચી ઠરે તો શેરી ગરબા તેમજ વિશાળ ઓપન ગ્રાઉન્ડ્સ પર યોજાતા કોમર્શિયલ ગરબા મહોત્સવના આયોજનો ખોરવાઈ શકે છે. આ આગાહીને પગલે આયોજકો હવે વોટરપ્રૂફ ડોમ અને અન્ય વ્યવસ્થાઓ વિચારવા મજબૂર બન્યા છે.

મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર

આ આગાહી વચ્ચે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં શનિવારે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં નોંધાયા હતા. અમદાવાદમાં ધમધોકાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા, જેનાથી સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા.

અરબી સમુદ્રની સિસ્ટમ બનાવશે વરસાદી માહોલ

હવામાન વિભાગ અને નિષ્ણાતોના મતે, હાલ અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી દિવસોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ પડી શકે છે.

એક તરફ આ વરસાદ વિલંબિત પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ મા શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદની આ આગાહીથી ખેલૈયાઓમાં ચિંતાનો મોજો ફરી વળ્યો છે.