ગાંધીનગર- શિક્ષણ રાજ્ય પ્રધાન વિભાવરીબેન દવેના નેતૃત્વ હેઠળ ગુજરાતના પ્રતિનિધિ મંડળે ત્રિપુરા રાજ્યની મુલાકાત લીધી હતી. જ્યાં ત્રિપુરાના રાજ્યપાલ કપ્તાનસિંઘ અને મુખ્યપ્રધાન બિપ્લવકુમાર દેબને રૂબરૂ મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે ગુજરાત આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યપ્રધાનને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પ્રક્રિયાથી માંડીને તૈયાર થઇ ગયેલ પ્રતિમાની વિસ્તૃત વિગતો આપી હતી. તેમજ સરદાર સાહેબના સંસ્મરણો તાજા કર્યા હતા.ત્રિપુરામાં વસતા ગુજરાતીઓએ પણ ગુજરાતના પ્રતિનિધિ મંડળનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. વિભાવરી દવેએ ગુજરાતી સમાજના લોકો, અને ત્રિપુરાવાસીઓ સાથે બેઠક કરીને તેઓને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા નિમંત્રણ આપ્યું હતું.વિભાવરી દવેએ આ મુલાકાત બાદ ત્રિપુરા ખાતે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, આઝાદી બાદ ભારતને એક બનાવવા માટે ૫૬૨ રજવાડાઓને એક કરવાનું ખૂબજ મુશ્કેલ અને અશક્ય કામને સરદાર સાહેબે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. તેમની આગવી દ્રષ્ટિ-કુનેહ-કુશળતાથી વિવિધ સંસ્કૃતિ અને વિવિધ બોલીઓ ધરાવતા પ્રાંતોને એક કરીને ભારતને એક બનાવ્યુ હતું. સરદાર પટેલની આ પ્રતિમા પર્યટકો માટે આકર્ષણનું સ્થળ બની રહેશે. પ્રતિમાની આજુબાજુ વિવિધ રાજ્યોના અતિથી ભવન, ફલાવર્સ વેલી, વિઝીટર ગેલેરી, મ્યુઝીયમ સહિતની સુવિધાઓ તૈયાર થશે જે નિહાળવાનો અવસર આપ સૌને મળે તે માટે રાજ્ય સરકાર વતી આપ સૌને આમંત્રણ છે.
ઉલ્લેખનીય છે કે, સરદાર સાહેબના જીવન-કવનની વાતો વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાના ઉદેશથી ગુજરાતમાં ‘નર્મદા પરિયોજના’ નજીક સાધુ બેટ ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કર્યુ છે. જેનું આગામી ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને અર્પણ કરશે. સરદાર પટેલની પ્રતિમાના નિર્માણમાં દેશભરના રાજ્યોની માટી, જળ અને કિસાનોના લોખંડના ઓજારોનો ઉપયોગ થયો છે ત્યારે આ ઐતિહાસિક અવસરમાં સહભાગી થવા માટે રાજ્યના મંત્રીમંડળના સભ્યોનું પ્રતિનિધિ મંડળ જૂદા જૂદા રાજ્યોના પ્રવાસે જઇ આમંત્રણ આપી રહ્યાં છે.