અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા ધંધુકા તાલુકામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસનું પાણી આવવાના કારણે ઘણા ગામોમાં પાણી ભરાઇ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી એન.એલ.રાઠોડ તેમની ટીમ સાથે પાણી ભરાયેલા ગામોમાં પહોચ્યા હતા. ત્યારબાદ સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સતત સંકલનમાં રહીને ચુનાનો છંટકાવ, એબેટ કામગીરી, બી.ટી.આઇ. છંટકાવ, ક્લોરિન ગોળી વિતરણ સહિતની સઘન સર્વેલન્સ કામગીરી હાથ ઘરવામાં આવી હતી. આ ઉપરાંત પાણી ભરાયેલા ગામોમાં મેડિકલ કેમ્પ આયોજીત કરીને ઓફિસર દ્વારા ઓપીડી શરુ કરીને સ્થળ પર જ સ્થાનિક લોકોને સારવાર આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકાર ડો.શિલ્પાબેન યાદવના સંપર્કમાં રહીને જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે ધોલેરા ધંધુકા તાલુકાના અસરગ્રસ્ત ગામમાં હાલ કોઇ વાહકજન્ય કે પાણીજન્ય રોગચાળાની કોઇ શક્યતા નથી.
અમદાવાદ જિલ્લાના મેલેરિયા અધિકારી એન.એલ.રાઠોડ દ્વારા આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકના વિવિધ ગામોમાં પૂરનું પાણી ઓસરતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સધન કામગીરી હાથ ઘરવામાં આવી હતી. સોઢી, મીંગલપુર, રાજપુર સહિતના પાણી ભરાયેલ ગામોમાં પાણી ઉતર્યા પછી ચુનાનો છંટકાવ અને ઘર વપરાશના પાણીમાં એબેટ કામગીરી કરવામાં આવી રહી છે. બંધિયાર ભરાયેલા પાણીમાં બી.ટી.આઇનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને પુખ્ત મચ્છરોના નાશ માટે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી મચ્છરોનાં બ્રિડિંગને ટાળી મેલેરિયા જેવા રોગોના સંક્રમણથી બચી શકાય.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ઓપીડી શરુ કરીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક ઘરની મુલાકાત લઇને ફિવર સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ૧૨૪ સોસાયટીઓ, ૫૦૨ ફડિયામાં ચૂનાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ૧,૯૬૧ જગ્યાઓ પર બી.ટી.આઇનો છંટકાવ કરવામાં આવ્યો છે. અંદાજિત ૨૮ હજારથી વધુ પાણીના ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ તાલુકામાં ૨૦ જેટલા મેડિકલ કેમ્પ આયોજીત કરીને ૧,૧૪૪ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ૪૭, ૧૩,૧૬૯ વસ્તીનો પાણીજન્ય રોગોના સંક્રમણથી બચવા તથા તેના ઉપચારાત્મક પગલાં માટે સર્વે કરવામાં આવ્યો છે.
સમગ્ર વિશ્વમાં ૨૦મી ઓગસ્ટના દિવસે વિશ્વ મચ્છર દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મેલેરિયા વિભાગ દ્વારા કરવામાં આવેલી ઉપરોક્ત કામગીરી તેની સાર્થકતાને સાકાર કરે છે. મચ્છર જન્યરોગો ન થાય તે માટે સરકાર સાથે આપણી પણ સામુહિક જવાબદારી છે કે મચ્છરથી ઉત્પતિ થાય તેવી જગ્યાઓ પર પાણી ન ભરાય તેના કાળજી રાખવી જોઇએ. આ રીતે આપણે પણ રોગથી બચીએ અને બીજાને પણ રોગ થતા બચાવીએ. જે આજના દિવસની ખરી ઉજવણી લેખાશે.
જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા જિલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર્સ, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ સાથે ધોલેરા-ધંધુકાના મીંગલપુર, સોઢી, રાજપુર, ગોરાસુ, ઝાંખી, ધંધુકાના બાજરડા, મોટા ત્રાડિયા, હડાળા ગામોમાં સઘન દવા છંટકાવ તથા આરોગ્ય નિદાન માટેની કામગીરી કરવામાં આવી છે, જેથી પાણીજન્ય રોગોને ઉગતાં જ ડામી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.