વડોદરાના શહીદ વીરને અશ્રુભીની આંખે અને ગાર્ડ ઓફ ઓનર સાથે આપી વિદાય…

વડોદરાઃ વડોદરાના પનોતા પુત્ર આસામમાં પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા. શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો નશ્વરદેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આસામમાં ઇન્ડો-બાંગ્લાદેશ બોર્ડર પર બે દિવસ અગાઉ શહીદ થનાર બોર્ડર સિક્યોરિટી ફોર્સના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય સાધુનો મૃતદેહ મંગળવારે મોડીરાતે રાષ્ટ્રીય સન્માન સાથે દિલ્હીથી વડોદરા મોકલાયો હતો. બુધવારે વીર શહીદ સંજય સાધુને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. શહીદની અંતિમ યાત્રા સવારે 10.30 વાગે ગોરવા-કરોડિયા રોડની ભગવત કૃપા સોસાયટીથી નિકળી હતી.

વડોદરામાં ગોરવા વિસ્તારમાં રેહતા કોમર્સ સ્નાતક થયેલા અને બીએસએફ માં ઇન્સપેક્ટર તરીકે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવતા 35 વર્ષીય સંજય સાધુ નામના જવાન ભારત બાંગલા દેશ સરહદ ખાતે સાઉથ સાલમારા મનકાચરકા જિલ્લા ખાતે વરસાદી માહોલ દરમિયાન પગ લપસી જતા નાળામાં પડી ગયા હતા. જોકે આ દરમિયાન સાથી જવાનોએ તેમને બચચાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ ઘટનામાં તેઓ તા.18 ઓગષ્ટ 2019ના રોજ સાંજે શહીદ થયા હતા. શહીદ સંજય સાધુનો પાર્થિવ દેહ મોડી રાત્રે એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર સંજય સાધુના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

તિરંગામાં લપેટાયેલા શહીદના પાર્થિવ દેહના આગમન સાથે જ ભારત માતા કી જયના જય જયકારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. રાત્રે તેમને બી.એસ.એફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. વડોદરાના આગેવાનો અને કલેક્ટર, કમિશનર સહીતના અધિકારીઓ પણ ઉપસ્થીત રહ્યાં હતા. તેમના પરિવારમાં તેઓ બે ભાઇ છે અને સંજય ભાઇ નાના ભાઇ છે અને તેમને ૩ બાળકમાં બે દીકરી અને એક દીકરો છે જેમાં મોટી દીકરી શ્રધ્ધા 9 વર્ષ અને નાની દીકરી આસ્થા 3.5 વર્ષની છે આ સિવાય તેમનો દીકરો ઓમ 1 વર્ષેનો છે. આમતો સંજય સાધુના પત્નિ અને બાળકો ગાંધીનગર રહે છે. જેઓ હાલ વડોદરા આવી ગયા છે. રાત્રે શહીદના પાર્થિવ દેહને સયાજી હૉસ્પિટલના કોલ્ડ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. આજે સંપૂર્ણ સન્માન સાથે તેમની અંતિમ યાત્રા નીકળશે.

પીએસઆઇ તરીકે તેઓ બીએસએફમાં જોડાયા અને ત્યાર બાદ પ્રમોશન મેળવી તેઓ પીઆઇ બન્યા હતા. બીએસએફમાં જોડાવા માટે તેમણે પુનામાં પરીક્ષા આપી હતી. ત્યાર બાદ બેંગલુરુ ખાતે ટ્રેનિંગ મેળવી હતી તેમનું પેહલું પોસ્ટીંગ ચિલોડા ખાતે થયું હતું.