રાજ્યભરમાં 13 થી 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા ભાડૂઆત નોંધણીની ડ્રાઇવ યોજવામાં આવી. મિલકત ભાડે આપીને પોલીસમાં રજિસ્ટ્રેશન ન કરાવનારા રાજ્યભરના 2,515 મિલકતમાલિકો અને ભાડૂઆતો સામે ગુનો નોંધાયો છે. સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે, જેનો આંકડો 625 છે, જ્યારે તેના પછી ભરૂચમાં 434 કેસ નોંધાયા છે. 13 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધીમાં સમગ્ર રાજ્યમાં 2,515 ફરિયાદ દાખલ થઇ છે, જેમાં સૌથી વધુ 18મી ઓક્ટોબરે 570 ફરિયાદ દાખલ કરાઇ છે. સૌથી પહેલી ફરિયાદ 13મી તારીખે અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં ભાડૂઆત સામે નોંધાઇ હતી. તમામ લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઝુંબેશ તા. 13 થી તા. 27 ઓક્ટોબર સુધી નિર્ધારીત કરવામાં આવેલ છે. ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી રાજ્યમાં ગુનાઓ બનતા અટકે જેના થકી રાજ્યમાં સલામત અને સુરક્ષિત વાતાવરણનું નિર્માણ થાય તે ગુજરાત પોલીસની આ વિશેષ ઝુંબેશનો હેતુ છે. પોલીસ દ્વારા શરુ કરાયેલી આ ભાડુઆત નોંધણી અંગેની ખાસ ઝુંબેશ હેઠળ પોલીસ દ્વારા ભાડુઆત નોંધણી અંગે ઘેર-ઘેર જઈને તપાસ કરવામાં આવી રહેલ છે. ગુજરાત પોલીસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી જાહેર જનતાને ભાડુઆત નોંધણીના નિયમોનું ચુસ્ત પાલન કરવા વાકેફ કરવામાં આવેલ છે. નાગરિકોએ ભાડુઆત નોંધણી માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. તેઓ ગુજરાત સિટીઝન ફસ્ટર એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકે છે. આ ખાસ ઝુંબેશ દરમિયાન પોલીસ દ્વારા ભાડુઆતોની કે મકાન માલિકોની ખોટી રીતે કનડગત કે હેરાનગતિ ન થાય તેમજ પોલીસ કાર્યવાહીમાં પુરતો શિષ્ટાચાર જળવાઈ રહે તે માટે તમામ એકમોના પોલીસ વડાઓને રાજ્ય પોલીસ વડાઓએ જરૂરી તકેદારી તથા સુપરવિઝન રાખવા સુચના આપેલ છે.
આ ખાસ ઝુંબેશ દરમિયાન તા. 13 થી 18-10-2024 સુધીમાં મકાન ભાડુઆત ચેકીંગ દરમિયાન રાજ્યમાં કુલ 30,305 ભાડુઆતોને ચેક કરવામાં આવેલ છે. જેમાંથી નોંધણીના નિયમોનું પાલન નહીં કરનારા કુલ 2515 ભાડુઆતો / માલિકો વિરૂદ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેર 121, સુરત શહેર 192, વડોદરા શહેર 112, રાજકોટ શહેર 90, અમદાવાદ રેન્જ-322, ગાંધીનગર રેન્જ-112, વડોદરા રેન્જ- 490, પંચમહાલ રેન્જ-101, સુરત રેન્જ-527, રાજકોટ રેન્જ-236, જૂનાગઢ રેન્જ-37, ભાવનગર રેન્જ-10 અને સરહદી રેન્જ-165 ભાડુઆતો / માલિકોનો સમાવેશ થાય છે.