પીએમ મોદી શુક્રવારે નવસારી, અમદાવાદની મુલાકાતે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની એક-દિવસની મુલાકાતે આવશે. નવસારી જિલ્લાના ખૂડવેલ ગામમાં એમની ઉપસ્થિતિમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ નવસારી મેડિકલ કોલેજ હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે. મોદી તાપી, નવસારી અને સુરત જિલ્લાના રહેવાસીઓ માટે રૂ.961 કરોડની 13 પાણી પુરવઠા યોજનાઓનું પણ ભૂમિપૂજન કરશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વર્ચસ્વ ધરાવતા વિસ્તારમાં વડા પ્રધાન મોદી રૂ. 3000 કરોડથી વધારે ખર્ચવાળી વિકાસયોજનાઓનું લોકાર્પણ કરશે અથવા શિલાન્યાસ વિધિ સંપન્ન કરશે. આમાંની એક, અસ્ટોલ યોજના, વલસાડ જિલ્લામાં ડુંગરિયાળ વિસ્તારમાં વસેલા 1,200 જેટલા ગામોનાં આદિવાસી લોકોને નળ વાટે પાણીની સુવિધા પૂરી પાડવા માટેની છે. વડા પ્રધાન મોદી વિસ્તારનાં લોકોને સંબોધિત કરશે. કાર્યક્રમમાં નવસારી તથા પડોશના ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાનાં લોકો પણ ભાગ લેશે એવી ધારણા છે.

(પ્રતિકાત્મક તસવીર)

તે ઉપરાંત વડા પ્રધાન મોદી અમદાવાદમાં બોપલ વિસ્તારમાં, ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રોમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPECe)ના હેડ ક્વાર્ટર બિલ્ડિંગનું ઉદઘાટન કરશે.