નવી દિલ્હી/અમદાવાદ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં ‘ગરવી ગુજરાત ભવન’નું ઉદઘાટન કર્યું હતું. ‘ગરવી ગુજરાત ભવન’ દિલ્હીના અકબર રોડ પર બનાવવામાં આવ્યું છે.
આજે સાંજે અત્રેના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ ભવન ભલે મિની ગુજરાતનું મોડેલ હોય, પરંતુ નવા ભારતની એ વિચારધારાનું પ્રત્યક્ષ પ્રમાણ છે જેમાં આપણે આપણા સાંસ્કૃતિક વારસા, આપણી પરંપરાઓને આધુનિકતા સાથે જોડીને આગળ વધી શકીશું.
આ ગુજરાત ભવનની ઈમારતનું બાંધકામ નિર્ધારિત સમય કરતાં વહેલું પૂરું કરવા બદલ વડા પ્રધાન મોદીએ ગુજરાત સરકાર-સંચાલકોને અભિનંદન આપ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત હતાં.
વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની ગતિ ઝડપી બની છે. આ રાજ્યએ વિકાસ, ઉદ્યમ અને પરિશ્રમને હંમેશાં મહત્ત્વ આપ્યું છે. મેં મુખ્ય પ્રધાન તરીકે લગભગ દોઢ દાયકા સુધી ગુજરાતની પ્રગતિને નિકટથી જોઈ છે. વીતી ગયેલા પાંચ વર્ષ પર નજર કરતાં હું જોઈ શકું છું કે રાજ્યએ એનાં વિકાસની સફરમાં ઝડપી પ્રગતિ સાધી છે. ગુજરાતનો વિકાસ દર 10 ટકાથી પણ વધારે છે. નર્મદા નદીનું પાણી કિસાનોને લાભ કરાવી રહ્યું છે.
ગરવી ગુજરાત ભવન 20,325 સ્ક્વેર મીટર એરિયામાં બાંધવામાં આવ્યું છે. એ માટે ગુજરાત સરકારે રૂ. 131 કરોડનો ખર્ચ કર્યો છે. આ ભવન ગુજરાતમાંથી દિલ્હી આવતા ગુજરાતી સમાજનાં લોકો માટે ઘર જેવું વાતાવરણ પૂરું પાડશે.
નવા ગરવી ગુજરાત ભવનમાં 19 સ્વિટ રૂમ, 59 રેગ્યૂલર રૂમ, એક રેસ્ટોરન્ટ, એક પબ્લિક ડાઈનિંગ હોલ, એક બિઝનેસ સેન્ટર, એક સોવિનીયર શોપ, એક મલ્ટી-પરપઝ હોલ, એક કોન્ફરન્સ હોલ, ચાર લાઉન્જ, એક જિમ્નેશિયમ, એક યોગા સેન્ટર, એક ટેરેસ ગાર્ડન અને એક લાઈબ્રેરી છે.