અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના નાના મોટા શહેર, ગામોમાં માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ સતત વધતો જ જાય છે. હવેના સમયમાં રખડતાં પશુઓમાં ગાયો તેમજ કૂતરાઓનો ત્રાસ સૌથી વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલા આંકડાઓમાં ગલી, મહોલ્લા, શેરી અને શહેરી વિસ્તારની આસપાસના ખુલ્લી જગ્યાઓમાં રખડતાં કુતરાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. રખડતાં કૂતરાઓ દ્વારા લોકોને કરડવાના કિસ્સામાં પણ વધારો જોવા મળે છે. બીજી તરફ કૂતરાઓના નિયંત્રણમાં સરકારી તંત્ર એકદમ નિષ્ફળ સાબિત થયું છે. રખડતાં કૂતરાઓના ખસીકરણ અને રસીકરણની કામગીરી પણ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ખાનગી સંસ્થાઓને સોંપી છે. ખસીકરણ અને રસીકરણની કામગીરી સોંપ્યા બાદ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના દરેક વિસ્તારોમાં રખડતાં કુતરાંઓના ઝુંડ વધતાં જ જાય છે. કેટલીક જગ્યાએ સોસાયટીઓમાં સ્ટ્રીટ ડોગને ખવડાવતાં સાચવતા પૂણ્ય માનતા લોકો અને કૂતરાઓ પ્રત્યે ધૃણા કરતાં લોકો એમ બે ભાગ પડી જાય છે. કુતરા પ્રેમીઓ અને કુતરા પ્રત્યે નફરત કરતાં લોકોના ઝઘડાંના કિસ્સા પોલીસ મથક સુધી પહોંચ્યા હોય એવા દાખલા પણ નોંધાયા છે.
ચોમાસા અને શિયાળા જેવી ઋતુઓમાં ઘર, ધાબા અને વાહનોની ઉપરની નીચે ગોઠવાઇને જગ્યા કરી નુકસાન કરતાં કૂતરાંથી શહેરીજનો ત્રસ્ત છે. કેટલાક વિસ્તારોમાં બુટ, ચંપલ અને બાઇક-સ્કુટરની સીટો ફાટવાના કિસ્સા પણ વધતાં જાય છે. કેટલાક શ્વાન મહાશય મોંઘીદાટ ગાડીઓના છજા પર નિરાંતે આરામ ફરમાવે છે. કાર ચાલકો કૂતરા ગાડીઓના છજા પરના બેસે એના માટે ખાસ ખીલા વાળી ધરી પાથરી દે છે. કારના છજા પર ચઢી જતાં, નુકસાન કરતાં અને કરડતાં કૂતરાઓથી ત્રસ્ત પ્રજા જ્યારે ‘કેટલ ન્યુસન્સ કંટ્રોલ’ ના વેબસાઇટ પરના કેટલાક નંબર લગાડે છે તો એ બંધ આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)