બિન સચિવાલય પરીક્ષા રદ: આંદોલનકારીઓ સામે સરકાર ઘૂંટણીએ

ગાંધીનગરઃ આખરે વિદ્યાર્થીઓના આંદોલન સામે સરકારે નમતું જોખ્યું છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને અંતે રદ કરી દીધી છે. સરકારના નિર્ણય બાદ ધરણા પર બેઠેલા આંદોલનકારીઓને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પારણા કરાવ્યા હતાં. તો બીજી તરફ સરકાર સામે તેમની જીત થતાં વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

ઉગ્ર વિરોધ બાદ સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. SITએ સોમવારના રોજ પોતાનો તપાસ રિપોર્ટ સુપરત કર્યો હતો, જેમાં આ પરીક્ષાઓમાં વ્યાપક ગેરરીતિઓ થઇ હોવાના છ લાખથી વધુ ઉમેદવારોના આક્ષેપોનો SITએ સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં, પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાની FSL દ્વારા પુષ્ટિ કરી છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મુદ્દે સોમવારના રોજ સાંજે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે, વિદ્યાર્થી આગેવાનો દ્વારા 10 જેટલા મોબાઈલ, સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા હતા. આ ફૂટેજ અને મોબાઇલ વીડિયોને ધ્યાનમાં રાખીને SITએ તપાસ કરી હતી. ત્યારબાદ વીડિયોની ફોરેન્સિક લેબમાં પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં વિદ્યાર્થીઓ એકબીજાને પુછીને લખતા હતા. આ મુદ્દે તપાસ રિપોર્ટ બન્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ જાણ કરવામાં આવી હતી અને પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રદીપસિંહે ઉમેર્યું હતું કે, આ પરીક્ષાઓમાં ચોરી થઈ હોવા બાબતે અત્યાર સુધીમાં બનાસકાંઠા, ગીર સોમનાથ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ચાર ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત બીજા પણ જે પૂરાવા મળ્યા છે તેની સઘન તપાસ કરાશે. આ તપાસ દરમ્યાન જે પણ ઉમેદવારે પરીક્ષામાં ચોરી કરીને જવાબો લખ્યા હોવાનું માલૂમ પડશે તેમની સામે એફઆઈઆર નોંધાશે. આવા તમામ ઉમેદવારો પર રાજ્ય સરકાર દ્વારા લેવાતી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા બાબતે ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટી ગયાના આક્ષેપો થયા બાદ રાજ્યના પાંચ જિલ્લામાંથી ગેરરીતિની કુલ 39 ફરિયાદ આવી હતી. પેપર ફૂટ્યાનું ફલિત થતાં જ રાજ્યભરમાંથી પરીક્ષાર્થીઓ 4 ડિસેમ્બરથી ગાંધીનગરમાં એકત્ર થવા લાગ્યા હતા. પહેલા દિવસે તેમની પર લાઠીચાર્જ કરાયો હતો અને તેમના આગેવાન યુવરાજસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતનાને અટકમાં લેવાયા હતા. જો કે, 5 ડિસેમ્બરથી તો રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગાંધીનગર એકત્ર થવા લાગ્યા હતા અને તેમણે રાત્રે કડકડતી ઠંડીમાં પણ સચિવાલય પાસે બેસી રહીને વિરોધ દર્શાવ્યો હતો. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા રદ કરવાની એક જ માગણીને લઈને રાજ્ય સરકાર પણ ભીંસમાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]