અમદાવાદઃ અગ્રગણ્ય વૈશ્વિક મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ – ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે પંકજ આર. પટેલને 16 નવેમ્બર, 2022થી અસરમાં આવે એ રીતે IIMA બોર્ડ ઓફ ગવર્નર્સના નવા ચેરમેન તરીકે નિમવામાં આવ્યા છે. તેઓ કુમાર મંગલમ બિરલાના અનુગામી બન્યા છે, જેમની ચાર વર્ષની મુદત ગઈ કાલે સમાપ્ત થઈ હતી. પંકજ પટેલ 1961માં સ્થપાયેલી IIMA સંસ્થાના 14મા ચેરમેન બન્યા છે. આ પહેલાં તેઓ આઠ વર્ષથી IIMA બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે હતા.
પોતાની નિમણૂક અંગે પંકજ પટેલે કહ્યું કે, ઈન્સ્ટિટ્યૂટ વિકાસના નવા મહત્ત્વના તબક્કા તરફ અગ્રેસર છે તેવા સમયે ચેરમેન તરીકે પોતાની નિમણૂક કરવામાં આવી છે અને આ નામાંકિત સંસ્થાનો હિસ્સો બનવા બદલ પોતે રોમાંચની લાગણીનો અનુભવ કરે છે. તેમજ બોર્ડ ઓફ ગવર્નર્સ, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ, સ્ટાફના સભ્યો, એલમ્ની ગ્રુપ તથા અન્ય સંબંધિત લોકો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે.
પંકજ પટેલ ઝાયડસ લાઈફસાયન્સીસ લિમિટેડના ચેરમેન છે, જે કંપની દુનિયાના 55 દેશોમાં સક્રિય છે.