ટાટા સન્સના ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે મોડી રાત્રે લગભગ 11 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વય-સંબંધિત બિમારીઓથી પીડાતા હતા. તેમનો પાર્થિવ દેહને નરીમાન પોઈન્ટ ખાતેના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA)માં રાખવામાં આવ્યો છે. અહીં લોકો સાંજે 4 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકશે. સાંજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યારે આ રતન ટાટાના દુ:ખદ અવસાનને લઈ આજે ગુજરાતમાં રાજ્ય વ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુકેશ અંબાણી અને કુમાર મંગલમ બિરલા સહિત રાજકારણ, રમતગમત અને વ્યવસાયની ઘણી હસ્તીઓએ ટાટાને શ્રદ્ધાંજલિ આપી. પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત રતન ટાટાને 2 દિવસ પહેલા 17 ઓક્ટોબરે ICUમાં દાખલ કરવાના સમાચાર આવ્યા હતા. જો કે, તેમણે પોતે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે ઠીક છે અને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હતા. ગુજરાત સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે રતન ટાટાના નિધનથી સરકારે ગુરુવાર (10 ઓક્ટોબર)ના રોજ એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. તમામ સરકારી ઈમારતોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે અને આજે કોઈ સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમો થશે નહીં. રતન ટાટાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.