અમદાવાદઃ આપણે ઘણીવાર સાંભળતા અને વાંચતા હોઇએ છીએ કે, અમૂક દેશ કે કોઇ રાજ્યની શાળાના બાળકો શાળામાં એકપણ ગેરહાજરી વગર શાળામાં આવવાનો રેકોર્ડ ધરાવે છે. પરંતુ દૂર જવાની જરૂર નથી અમદાવાદમાં પણ એક એવી શાળા આવેલી છે કે જેના એક કે બે નહીં પણ ૧૨૫ જેટલાં વિદ્યાર્થીઓ શાળામાં એકપણ રજા પાડ્યા વગર આવવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.
વાત છે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી નીમા સ્કુલની કે જ્યાં ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓ ૧ થી ૧૦ વર્ષ સુધી સતત એકપણ રજા પાડ્યા વગર શાળાએ આવવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. શાળાના ૨ વિદ્યાર્થીઓ સતત ૯ વર્ષથી, ૨ વિદ્યાર્થીઓ સતત ૮ વર્ષથી, ૨ વિદ્યાર્થીઓ સતત ૭ વર્ષથી અને બીજા ૯૨ વિદ્યાર્થીઓ સતત ૧ થી ૬ વર્ષ સુધી એકપણ રજા પાડ્યા વગર શાળાએ આવવાની અનોખી પરંપરાનો ભાગ બન્યા છે. શાળા દ્વારા સતત એક વર્ષથી વધુ રેગ્યુલર શાળાએ આવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરાય છે. અહીંયા ભણતરને બોજ નહીં પરંતુ સરસ મઝાની પ્રવૃત્તિનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આપણા બધાનો વ્યક્તિગત અનુભવ હશે કે, ઘરનું બાળક શાળાએ જવામાં કેટલી આનાકાની કરે છે. કેટલીય મનાવટ અને ફોસલાવટ બાદ બાળક શાળામાં જતું હોય છે. આવા સમયે બાળક કોઇપણ પ્રકારની આનાકાની વગર શાળાએ જાય અને તે પણ સતત ૧ થી ૧૦ વર્ષ સુધી તો તે ચોક્કસ સરાહનીય અને અનુકરણીય વાત છે. છતાં, આ બધી હકીકતો વચ્ચે પણ સતત ૧૦ વર્ષ સુધી શાળામાં એકપણ ગેરહાજરી વગર હાજર રહેવું કોઇ સામાન્ય વાત નથી. વર્ષ દરમિયાન, સામાજિક પ્રસંગો, તહેવાર, ઘરમાં માંદગી, લગ્ન, રમત-ગમતમાં હોય તો સ્પર્ધામાં ભાગ લેવા માટે બહારગામ રહેવું પડે, આજુબાજુનું વાતાવરણ જેવા અનેક પ્રસંગો કે કાબુ બહારના સંજોગોને લીધે ના ઇચ્છવા છતાં વર્ષમાં કોઇને કોઇ રજા પડી જ જાય.
છતાં પણ આ શાળાના ૨ વિદ્યાર્થીઓ સતત ૯ વર્ષથી, ૨ વિદ્યાર્થીઓ સતત ૮ વર્ષથી, ૨ વિદ્યાર્થીઓ સતત ૭ વર્ષથી અને બીજા ૯૨ વિદ્યાર્થીઓ સતત ૧ થી ૬ વર્ષ સુધી એકપણ રજા પાડ્યા વગર શાળાએ આવવાની અનોખી પરંપરાનો ભાગ બન્યા છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો છે અને તેના દ્વારા શાળામાં બાળકોનું ગુણાંકન વધે અને શાળામાં બાળકોનો સ્થિરતા દર વધે તે હેતુથી મુખ્યપ્રધાનથી લઈને અનેક પ્રધાનો અને અનેક ઉચ્ચ સનદી- પોલીસ અધિકારીઓ શાળામાં જાતે જઇને શાળામાં બાળકોનું નામાંકન કરાવતાં હોય છે.
ગુણોત્સવ જેવા અભિયાન દ્વારા પણ બાળકોમાં ગુણ અને ગુણાંકન વધે, સંસ્કાર સિંચન વધે અને શિક્ષણની ગુણવત્તા વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આટલા વર્ષોના પ્રયત્નોથી આમ જનતામાં શિક્ષણ માટેની જાગૃતિ આવી છે.