બાળકીઓ પર દુષ્કર્મ કરનારાને ફાંસીની સજા અપાવવા સરકારે લીધા આકરા નિર્ણયો

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં બની રહેલ દુષ્કર્મની ઘટનાઓને રાજ્યની સંવેદનશીલ સરકારે અત્યંત દુઃખદ ગણાવી છે, અને આવા અસામજિક તત્વોને કડક સજા અપાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નામદાર હાઇકોર્ટને વિનંતી કરી છે કે, આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે. આવા કેસોમાં મળવાપાત્ર ફાંસીની સજા માટે બે મહિનાના ગાળામાં ચાર્જશીટ તથા ટ્રાયલ પણ પૂર્ણ થાય અને રોજબરોજ કેસ ચલાવવામાં આવે તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

ફાઈલ તસવીર

ગુજરાતમાં બાળકીઓ – મહિલાઓ સાથે થતા દુષ્કર્મ કરનાર વ્યક્તિઓ સામે કડક હાથે કામગીરી કરી ફાંસીની સજા અપાવવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે, એમ ગૃહરાજ્યકક્ષા પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.કેન્દ્ર સરકાર દ્વારા પીનલ કોડ અને સી.આર.પી.સી.માં કરાયેલ નવા સુધારા મુજબ કામગીરી કરાશે.

પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ તપાસ માટે ખાસ પેરવી ઓફીસરની નિમણૂંક પણ કરવામાં આવશે. ભોગ બનનાર બાળકી ૧૨ વર્ષથી નીચેની હોય તો તેવા કેસમાં આરોપીને ફાંસીની સજા સુધીની જોગવાઇ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં જે ઘટનાઓ ઘટી છે તેની તપાસ મહિલા પોલીસ અધિકારીના નેતૃત્વ હેઠળ થઇ રહી છે, અને તેનું સુપરવિઝન મહિલા DCP અથવા DSP દ્વારા કરાશે. સાથે-સાથે ભોગ બનનાર બાળકીઓ જે ૧૪ વર્ષથી નીચેની ઉંમરની હોય તો તેને રૂા. ૪.૫૦ લાખનું વળતર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

સાંબરકાંઠા જિલ્લાના ગાંભોઇ ખાતે બનેલ બનાવમાં બાળકીની ઉંમર ૧૪ માસની છે, તેની તપાસ પણ મહિલા અધિકારી દ્વારા થઇ રહી છે અને આરોપીની ધરપકડ પણ કરી દેવાઇ છે. તેમજ, સુરત શહેરના ડીંડોલીમાં બનેલ બન્ને ઘટનાઓમાં બાળકીની ઉંમર ૫ વર્ષની છે. જેમાં ગુ.ર.નં. ૧૮૮ /૨૦૧૮ હેઠળ નોંધાયેલ ફરીયાદમાં જે બાળકી ઉપર દુષ્કર્મ થયું છે તેમાં તેના કૌટુબિક વ્યક્તિ દ્વારા દુષ્કર્મ કર્યું છે. તેની પણ ધરપકડ કરી દેવાઇ છે. તથા ગુ.ર.નં. ૧૮૭ /૨૦૧૮માં પણ બાળકી ઉપર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ થઇ ગયેલ છે. તેમજ, અઠવાલાઇન પોલીસ સ્ટેશનમાં ૧૨ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની છે, તેમાં બાળકી જે વિસ્તારમાં રહેતી હતી તે વિસ્તારના આરોપી દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેની પણ ધરપકડ કરી દેવાઇ  છે.

ઉલ્લેખનીય છે કે, ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો દ્વારા જે દુષ્કર્મ કરાયું છે, તે માટે જુવેનાઇલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

  • દુષ્કર્મ કેસોની તપાસ કરવા સ્પેશિયલ સરકારી વકીલ નિમાશે
  • પોલીસ તપાસમાં ઝડપ લાવવા ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે
  • હાઇકોર્ટના પરામર્શમાં રહીને ફાસ્ટટ્રેક કોર્ટમાં રોજિંદા ધોરણે કેસ ચલાવી બે માસના સમયગાળામાં ચાર્જશીટ અને ટ્રાયલ પૂર્ણ કરવામાં આવશે
  • ભોગ બનનાર બાળકીઓને રૂા. 4.50 લાખ તથા મહિલાઓને રૂા. 3.૦૦ લાખનું વળતર
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]