સુરતમાં રત્નકલાકારોના સામૂહિક હત્યાના પ્રયાસના ચોંકાવનારા કેસમાં કાપોદ્રા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આરોપી નિકુંજ દેવમુરારીની ધરપકડ કરવામાં આવી છે, જેણે રત્નકલાકારો દ્વારા પીવામાં આવતા પાણીના કૂલરમાં ઝેરી સેલ્ફોસ નાખીને 118 જેટલા કર્મચારીઓના જીવને જોખmમાં મૂક્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નિકુંજે સરથાણા વિસ્તારના કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી સેલ્ફોસ ખરીદ્યું હતું, જે CCTV ફૂટેજમાં કેદ થયું છે.
પોલીસની પૂછપરછમાં નિકુંજ દેવમુરારીએ આ ગુનાની કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે, તે દેવાના બોજ તળે દબાઈ ગયો હતો અને ડિપ્રેશનમાં હતો. તેણે મિત્ર પાસેથી લીધેલી 8 લાખ રૂપિયાની લોન ચૂકવી ન શકતાં પહેલા આત્મહત્યાનો વિચાર કર્યો. જોકે, આત્મહત્યા માટે હિંમત ન થતાં તેણે સેલ્ફોસનું પાઉચ પાણીના કૂલરમાં નાખી દીધું. આ ઘટનામાં 118 રત્નકલાકારોની તબિયત બગડી હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નિકુંજે ઝેર નાખ્યા બાદ પોતાની ભૂલનો અહેસાસ થતાં દુર્ગંધની વાત ફેલાવી હતી, જેથી લોકોને શંકા ન જાય.
આ ઘટના એક ડાયમંડ યુનિટમાં બની, જ્યાં 125 કર્મચારીઓ કામે આવ્યા હતા. ઘટના બાદ 118 કર્મચારીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કૂલરમાં 10 ગ્રામનું સેલ્ફોસ પાઉચ તરતું જોવા મળ્યું, જેની દુર્ગંધે ધમાચકડી મચાવી હતી. પોલીસે આ ઘટનાને હત્યાના પ્રયાસનું ષડયંત્ર ગણીને ગુનો નોંધ્યો છે.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, 21 માર્ચે સુરતમાં 24,000 સેલ્ફોસ પાઉચનો જથ્થો આવ્યો હતો, જેમાંથી 9,000 પાઉચ પર પોલીસની નજર હતી. આ પાઉચ કાપોદ્રા, વરાછા અને સરથાણા વિસ્તારની દુકાનોમાં વહેંચાયા હતા. સરથાણાના કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી નિકુંજે સેલ્ફોસ ખરીદ્યું હતું, જે CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું. પોલીસે ચાર ટીમો બનાવીને CCTV ફૂટેજ અને બેચ નંબરના આધારે આરોપી સુધી પહોંચી હતી.
નિકુંજે પોલીસને જણાવ્યું કે, તેણે 8 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું, જે ચૂકવવાની તેની ક્ષમતા ન હતી. આ દેવાના દબાણે તે ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. તેણે આત્મહત્યાને બદલે ઝેરી દવા કૂલરમાં નાખી, જેના કારણે 118 લોકોના જીવ જોખમમાં મૂકાયા. પોલીસે આ ઘટનાને અત્યંત ગંભીર ગણીને વધુ તપાસ હાથ ધરી છે.
