કોટેશ્વર વૃક્ષ નિકંદન મામલે NGTએ પર્યાવરણીય વિભાગને નોટિસ પાઠવી

ગુજરાતમાં વધતા ટ્રાફિક સાથે ગ્રીન કવર ઘટી રહ્યું છે. જેના કારણે રાજ્યમાં વૃક્ષ વાવેતર વધારવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સરકાર એક તરફ વૃક્ષ વાવેતરની સુફિયાણી સલાહ આપે છે. પરંતુ તેની અમલવારીમાં પોતે જ નબળી પુરવાર થાય છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં ગેરકાયદે વૃક્ષ નિકંદન મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુજરાતના પર્યાવારણ ખાતાને નોટિસ પાઠવી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં આવેલા 77 હેક્ટર જંગલને જોખમ હોવાને મામલે એનજીટીએ સુઓમોટો દાખલ કરી છે. એનજીટીની બેન્ચના ચેરપર્સન જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘અમારી પાસે જે અહેવાલની વિગત આવી છે તેના અનુસાર આ જંગલમાં 700 વિવિધ પ્રકારના વૃક્ષો છે. આ ઉપરાંત તે પ્રાણીઓની વસાહતથી પણ નજીક છે. વિકાસની આંધળી દોટમાં તેને પણ નુકસાન થઈ શકે છે. શહેરી દબાણને લીધે બાયોડાયવર્સિટી પર ખતરો ઊભો થયો છે. આ બાયોડાઇવર્સિટી પાર્ક રિવરફ્રન્ટ એક્સ્ટેન્શન પ્લાનનો જ એક ભાગ છે.’ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની લીગલ એક્સપર્ટ કમિટી દ્વારા પર્યાવરણના નિયમોના ઉલ્લંઘન થયાનું નોંધવામાં આવ્યું છે. આ બાબતે ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર પાસેથી ખુલાસો માગવામાં આવેલો છે. 18મી નવેમ્બર પહેલા જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. આ કેસમાં આગામી સુનાવણી 18મી નવેમ્બરે યોજાશે.