સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકનું અપહરણ, 16 કલાકમાં પોલીસ ઉકેલ્યો કેસ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામી સામે આવી છે. જ્યાં એક નવજાત બાળકનું અપહરણ થયું હતું. આ ઘટનાએ હોસ્પિટલની સલામતીની વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. રાત્રે બનેલી આ ઘટનામાં એક અજાણી મહિલાએ બાળકને લઈને ભાગી ગઈ હતી. ખટોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 16 કલાકની અંદર બાળકને શોધી કાઢ્યું. આ મામલે એક મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, પાંડેસરા ન્યૂ બમરોલી રોડ પર રહેતા ધીરજભાઈ શુક્લા તેમની પત્ની સંધ્યાને પ્રસૂતિની તકલીફ શરૂ થતાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં સંધ્યાએ એક બાળકને જન્મ આપ્યો. જન્મ બાદ બાળકને વધુ સારવાર માટે માતા સાથે છઠ્ઠા માળના જી-1 વોર્ડમાં ખસેડવામાં આવ્યું હતું. રાત્રે લગભગ 9 વાગ્યે એક અજાણી મહિલા બાળકને લઈને ગાયબ થઈ ગઈ. બાળક ગુમ થયાની જાણ થતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં પોલીસને સૂચના આપવામાં આવી. ત્યારબાદ ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી. આખરે પોલીસે બાળકને નવાગામ ડિંડોલીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી શોધી કાઢ્યું. બાળકનું અપહરણ કરનારી મહિલા અને તેના પતિને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં આ અજાણી મહિલા બાળકની માતા પર લગભગ ત્રણ કલાક સુધી નજર રાખતી જોવા મળી હતી. ત્યારબાદ તેણે બાળકને થેલામાં નાખીને સાવચેતીપૂર્વક હોસ્પિટલની બહાર લઈ જતાં કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.