ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે નવો ઘટસ્ફોટ

રાજકોટના ગોંડલમાં ગુમ થયેલા રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે મહત્વનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલકે યુવકને અડફેટમાં લીધાનું કબૂલી લીધું છે. ગોંડલ પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ મૃતકના પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જોકે હવે બસ ચાલક રમેશ મેરે સ્વીકાર્યું છે કે, હાઈવે પર થયેલા અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું.

પોલીસ તપાસ દરમિયાન રાજકોટથી કુવાડવા વચ્ચેના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ત્રીજી માર્ચના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું, જેમાં યુવાન નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચાલતો જોવા મળ્યો હતો. આ વીડિયોની તપાસ બાદ, ટ્રાવેલ્સ કંપનીના સંચાલક દ્વારા માહિતી મેળવતા બસચાલક પાસેથી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. મૃતકના પિતા રતનલાલ જાટે આરોપ લગાવ્યો છે કે, 2 માર્ચના રોજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે તેમના પુત્રને 7-10 લોકો સાથે મળીને માર મારવામાં આવ્યો હતો. માર બાદ રાજકુમાર રાત્રે ફરી ફરિયાદ કરવા જવા ગયો, પરંતુ તે પછી ગાયબ થઈ ગયો. પરિવારજનોએ ગોંડલ પોલીસ અને બાદમાં રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ કરી હતી.

ત્રણ માર્ચના રોજ મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક અજાણ્યા યુવાનનું અકસ્માતમાં મોત થયું હોવાની પોલીસને જાણ થઈ. ત્યારબાદ મૃતક યુવક અને ગોંડલના લાપત્તા યુવક વચ્ચે સામ્યતા જણાતા પોલીસે તપાસ આગળ વધારી. બસચાલકે અગાઉ કહેવું હતું કે, તેની બસ કોઈ પશુ સાથે અથડાઈ હતી, પરંતુ 13 માર્ચના રોજ તેણે સ્વીકારી લીધું કે, યુવાનને તેની બસની અડફેટે લીધા બાદ અકસ્માત સર્જાયો હતો. હાલ, પોલીસે બસ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.