અમદાવાદઃ અનેક લોકો સાથે કરોડોની છેતપિંડી કરનાર કૌભાડી વિનય શાહ આખરે ઝડપાઈ ગયો છે. નેપાળ પોલીસે વિનય શાહની ધરપકડ કરી છે. ભારત સરકાર અને આઈબીના ઈનપુટથી વિનય શાહની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે હાલ સીઆઈડી ક્રાઈમની એક ટીમ નેપાળ જવા રવાના થઈ છે. તો આ સીવાય ગુજરાત પોલીસ પણ સતત નેપાળ પોલીસના સંપર્કમાં છે. કાયદાકીય પ્રક્રિયા બાદ ટૂંક જ સમયમાં વિનય શાહને ગુજરાતમાં લવાશે.
ત્યારે વિનય શાહની પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે. વિનય શાહે 26 લોકોની ટીમ બનાવી હતી. નેપાળથી વિનય શાહ દુબઈ ફરાર થવાનો પ્લાનીંગ બનાવી રહ્યો હતો પરંતુ તે નેપાળથી દુબઈ ફરાર થાય તે પહેલા જ ઝડપાઈ ગયો છે. વિનય શાહે અત્યારસુધીમાં પોતાના એજન્ટોને 900 જેટલા ગોલ્ડ કોઈન આપ્યા હતા. વિનય શાહ દુબઈ ફરાર થાય તે પહેલા જ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.
કૌભાંડી વિનય શાહે શહેરના થલતેજ વિસ્તારના પ્રેસિડન્ટ પ્લાઝામાં બીજા માળે વર્લ્ડ કલેવરેકસ સોલ્યુશન અને આર્ચરકેર ડીજી કંપનીની ઓફિસ ખોલી હતી. વિનય શાહ અને તેની પત્નીએ મળીને અનેક લોકોના રૂ.260 કરોડનો કાંડ કરી નાસી ગયા હતાં. પહેલેથી જ આશંકા હતી કે વિનય શાહ નેપાળ ભાગી ગયો છે. પોલીસનું કહેવું હતું કે વિનય શાહના પાસપોર્ટ પર કોઇ જ દેશના સિક્કા વાગ્યા ન હતાં. તેથી પોલીસને શંકા હતી જ કે તે ભારતની આસપાસ હોવો જોઇએ. તે વાતો કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરતો હતો. તેથી તેનું લોકેશન પણ ટ્રેસ થયું હતું.