ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આપત્તિ સામે લડવા NDRF પહોંચી રાજકોટ

અમદાવાદ-  બંગાળની ખાડીનાં પશ્ચિમ કાંઠે લો-પ્રેશર સક્રિય થશે. જેની અસરથી 27થી 31 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે લો પ્રેશરની અસરથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. લો-પ્રેશરની સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરતાં 27 જુલાઇથી લઇને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની પણ આગાહી કરાઇ છે.

ભારે વરસાદની આગાહીને પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. રાજકોટમાં કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એનડીઆરએફની ટીમ સજ્જ થઇ ગઇ છે. આ ઉપરાંત એનડીઆરએફની બે ટીમ વડોદરાથી રાજકોટ પહોંચી ગઈ છે. તમામ પ્રકારની પરિસ્થિતિ એટલે પૂર કે અતિભારે વરસાદને પહોંચી વળવા માટે ટીમ અતિઆધુનિક સાધનો સાથે સજ્જ છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પણ તમામ અધિકારીઓને આગાહી દરમિયાન હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેશ અપાયો છે. દરેક સંબંઘીત અધિકારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે.

 

 

બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલે પણ તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે અને બનાસકાંઠા જિલ્લાના તમામ ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત ડિઝાસ્ટાર મેનેજમેન્ટના તમામ અધિકારીઓને પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદના પગલે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, ભારે વરસાદથી માલસામાનને નુકશાન ન થાય તે માટે તકેદારીના ભાગ રૂપે તૈયાર રહેવા માટે સૂચના આપી છે.

તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત્ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગ, નવસારી, તાપી જિલ્લામાં છ ઇંચ જેટલો વરસાદ અનેક જગ્યાએ ખાબક્યો છે. ડાંગ જિલ્લામાં ગુરુવારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી થતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

આ સાથે ડાંગ જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હતો. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, વઘઈ, સુબીર, આહવા સહિત સરહદીય પંથકોમાં શુક્રવારે પણ ધીમી ધારે મેઘમહેર યથાવત રહેતા અહીંનું સમગ્ર વાતાવરણ રમણીય બન્યું હતું. ભરૂચમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.